ગોઝારો બુધવાર: રાજ્યમાં અલગ અલગ 4 માર્ગ અકસ્માતની ઘટના: 25થી વધુ લોકો ઘાયલ અને 6ના મોત
રાજ્યમાં વધુ 4 માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતની દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ

રાજ્યમાં વધુ 4 માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતની દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ અને 6 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતની દુર્ઘટનાઓ ભાવનગરના તળાજામાં, રાજકોટના જસદણમાં, સુરતના માંડવીમાં અને અમદાવાદમાં સર્જાયો હતો.
ભાવનગરના તળાજામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત
ભાવનગરના તળાજામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સોમનાથ નેશનલ હાઈવે પર ધારડી ગામ પાસે કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જે બાદ તમામ ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર હોસ્પિટલ લઈ જવાયા હતા.
રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના
રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જસદણ બાયપાસ માનસી ફાર્મ હાઉસ નજીક રોડ ક્રોસ કરતાં દંપતીને કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં 70 વર્ષીય જુગાભાઈ સાપરા અને 65 વર્ષીય સામુ બહેનનું મોત થયું છે. જેમાં પતિનું ઘટનાસ્થળે અને પત્નીનું સારવાર દરમિયાન મોત થયુ છે. કારચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે. પોલીસે CCTV તપાસીને કારચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.
સુરત માંડવીમાં વાન અને ટ્રક વચ્ચે અકસ્માત
સુરત માંડવીના ઉમરખડી ગામ નજીક પિકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યા. જ્યારે 12 લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલીક માંડવી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા. જેમાંથી ત્રણ ગંભીર ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તમામ લોકો સોનગઢના નીંદવાળા ગામના રહીશ છે. ઉમરપાડાના ઉમરગોટ ગામે લગ્ન પ્રસંગમાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો.
કાલોલના યાત્રિકોને નડ્યો અકસ્માત
કુંભ યાત્રામાં ગયેલા કાલોલના યાત્રિકોની બસને અકસ્માત નડ્યો હતો. યાત્રિકો કુંભમાં સંગમ સ્નાન કર્યા બાદ ઉજ્જૈન દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની બસ મધ્યપ્રદેશમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ઘટનામાં 12 જેટલા યાત્રિકોને ઈજાઓ પહોચી હતી.જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
SG હાઈવે પર BMW કારે અન્ય કારને મારી ટક્કર
અમદાવાદના એસજી હાઈવે પર નબીરાઓ બેફામ બન્યા છે.શહેરના ગોતા વિસ્તારમાં BMW કારના ચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારી હતી અને BMW કાર પણ ટક્કર મારી ડીવાઈડર પર ચડી ગઈ હતી. આસપાસના ફેન્સિંગ પણ આ અકસ્માતને લઈ તૂટી ગઈ હતી,અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.








