VADODARA :પૂરની સહાય ન મળતા મહાકાલીનગરના રહીશો ઉતર્યા રસ્તા પર
Vadodara News : વડોદરા શહેરના ઠેકરનાથ રોડ પર આવેલા મહાકાલીનગરના રહીશો રસ્તા પર ઉતર્યા

Vadodara News : વડોદરા શહેરના ઠેકરનાથ રોડ પર આવેલા મહાકાલીનગરના રહીશો રસ્તા પર ઉતર્યા છે. પૂરની સહાય ન મળતા સ્થાનિકોમાં રોષ છે, બે હજાર કરતાં વધુ લોકો કેશડોલથી વંચિત રહ્યાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે. વિસ્તારમાં કોઈ જ સર્વે કરવા માટે ન આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે.
મહાકાલીનગરના રહીશોએ આક્ષેપ કર્યા છે કે રોકડ સહાય માટેની ફાઈલ સરકારી તંત્ર દ્વારા ગુમ કરી દેવામાં આવી છે. સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ચૂંટણી વખતે મતદાનની ફાઈલો મળે છે તો સહાય આપવા માટેની ફાઈલો કેમ ગુમ થઈ જાય છે. ચાર દિવસના વરસાદી પુરના કારણે સંપૂર્ણ ઘરવખરીને નુકશાન થયું હોવા છતા પણ તંત્ર દ્વારા કોઈ જ રોકડ સહાય મળી નથી.
સરકારે પૂરગ્રસ્તો માટે 5000થી માંડીને 85,000 સુધીની રોકડ સહાય જાહેરાત કરી હતી
વડોદરાના પૂર અસરગ્રસ્તોના પુનર્વસવાટ અને ધંધા રોજગારને પુન: કાર્યાન્વિત કરવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને રૂ.5,000 સુધીની રોકડ સહાય, જ્યારે પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય જાહેર કરી હતી.
- લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય
- 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય
- 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય
- નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય
- માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવા મોટા દુકાનધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7%ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.








