VIDEO: રાજકોટમાં રફ્તારનો કહેર: 150 ફૂટ રિંગ રોડ પર BRTS બસે સર્જ્યો ટ્રિપલ અકસ્માત, રેલિંગ તોડી વાહનોનો કચ્ચરઘાણ કાઢ્યો
VIDEO: રંગીલા રાજકોટ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટની ઓળખ ગણાતી BRTS બસ બેકાબૂ બનતા રસ્તા પરની રેલિંગ તોડી નાખી હતી અને માર્ગ પર પસાર થતા અન્ય વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતને પગલે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કઈ રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, BRTS બસના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી બસે રોડની રેલિંગ તોડી નાખી હતી અને સામેથી આવતી સિટી બસ, એક ખાનગી કાર અને બોલેરો પિકઅપ વાનને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત બરાબર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સામે જ સર્જાયો હતો, જેથી પોલીસ કાફલો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો.
સદનસીબે જાનહાનિ ટળી
આ અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મુસાફર કે વાહનચાલકને ગંભીર ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે 150 ફૂટ રિંગ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. હાલ પોલીસે ક્રેઈનની મદદથી વાહનોને ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવાની અને બસ ચાલકની બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે.

