જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત, વન્યજીવોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક રેલવે ટ્રેક પર એક દુઃખદ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવી જવાથી બે સિંહણના મોત થતાં વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. આ ઘટનાએ ફરી એકવાર રેલવે ટ્રેક પર વન્યજીવોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.
પેસેન્જર ટ્રેનને તાત્કાલિક રોકી દેવાઈ
પ્રાથમિક માહિતી અનુસાર, જેતપુર નજીક રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની અડફેટે બે સિંહણ આવી ગઈ. અકસ્માતમાં બંને સિંહણના કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્યાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી.
બીજી તરફ, બનાવની જાણ થતાં વનવિભાગની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. વનકર્મીઓ દ્વારા ઘટનાની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે ટ્રેક પર સિંહણના મોતની આ ઘટના વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં રેલવે વ્યવસ્થાની સુરક્ષા અને સાવચેતીના પગલાં અંગે ફરી સવાલો ઊભા કરી રહી છે.











