રાજકોટમાં ભાડાના મકાનમાં ચાલતી જર્જરિત શાળામાં ભણવા મજબૂર નાના ભુલકાઓ

કહેવાતા વિકસિત ગુજરાતમાંથી અવારનવાર શિક્ષણની કથળેલી સ્થિતિ સામે આવે છે. એવામાં રાજકોટમાંથી નીચલી કક્ષાના શિક્ષણના સ્તરનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નં 15ના જર્જરિત હાલતમાં ભાડાના મકાનમાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ મજબુર બન્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
રાજકોટ શહેરમાં વોર્ડ નં 15માં ચાલતી શાળા નંબર 99માં વર્ષ 2008થી આ શાળા ભાડાના મકાનમાં ચાલે છે. ભાડાના મકાનમાં ચાલતી આ શાળામાં 207 વિદ્યાર્થીઓ અલગ અલગ રુમમાં બેસીને અભ્યાસ કરે છે અને આ તમામ વચ્ચે માત્ર 2 જ બાથરૂમની સુવિધા છે. જેથી રીસેસ પડે ત્યારે બાથરૂમ જવા માટે પણ વિદ્યાર્થીઓની લાઈનો લાગી રહી છે.
આ સાથે કોર્પોરેશન દર મહિને શાળા ચાલુ રાખવામાં માટે 33 હજાર ભાડું ચુકવે છે. એક તરફ કોર્પોરેશન દ્વારા 19 કરોડના ખર્ચે સરકારી શાળાનું તાજેતરમાં જ લોકાર્પણ કર્યું તો બીજી તરફ ખખડધજ શાળામાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. જર્જરિત અવસ્થામાં ભાડાના મકાનમાં ચાલતા શાળામાં 17 વર્ષથી નાના ભુલકાઓ ખુબ જ અગવડતાપૂર્વક અખ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ જગતને શર્મશાર કરતા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવ્યા છે હવે જોવું એ રહ્યું કે ક્યારે સરકાર આ અંગે પગલા ભરી નાના ભુલકાઓના ભવિષ્યને ન્યાય આપે છે.

