VIDEO: ઉપલેટામાં ભારે પવન સાથે આભ ફાટ્યું: મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને સમગ્ર પંથકના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન અને કાન ફાડી નાખે તેવી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આ મુશળધાર વરસાદના કારણે થોડી જ વારમાં ઉપલેટાના અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ જળબંબોળ બની ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.માત્ર શહેરમાં જ નહીં, પરંતુ ઉપલેટા તાલુકાના ઢાંક, કોલકી, ભાયાવદર, ગઢાળા, મોજીરા અને ડુમિયાણી સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક ધોધમાર મેઘમહેર જોવા મળી છે.અચાનક શરૂ થયેલા આ મકાનતોડ વરસાદને કારણે સ્થાનિક નદી-નાળા અને વોંકળાઓમાં નવા નીરની ભારે આવક શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

