જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુર ઉમટી પડ્યા છે. પ્રથમ આરતીનો લાભ લેવા સાથે દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી છે.

વીરપુરમાં દિવાળીનો માહોલ

જાહેરાત

જલારામ જયંતિએ વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા બાપાની સમાધિ પર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારી ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.જન્મજયંતિની ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીમાં ભવ્ય ઝગમગાટ કરવામાં આવ્યો છે. વીરપુરવાસીઓ દ્વારા ઘરે-ઘરે આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે, દરવાજે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે અને ઘરો પર અને ગેસ્ટ હાઉસ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જાણે વીરપુરમાં બીજી દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

સરબત અને છાશના પરબ ઉભા કરવામાં આવ્યા

શહેરના મુખ્ય માર્ગો અને અલગ-અલગ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં છે. જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે વીરપુર પહોંચતા માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત