મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: લોધિકામાં પાકિસ્તાની મહિલા, તેનો પુત્ર- પૌત્ર ઝડપાયા, ગેરકાયદે વસતા પાકિસ્તાની નાગરિકો અંગે કડક કાર્યવાહી

જમ્મુ-કાશ્મીર પહેલગામ આતંકવાદી હુમલા પછી સરકારે ભારતમાં ગેરકાયદે વસતા અને ઘુસણખ

Rajkot news: લોધિકામાં પાકિસ્તાની મહિલા, તેનો પુત્ર- પૌત્ર ઝડપાયા, ગેરકાયદે વસતા પાકિસ્તાની નાગરિકો અંગે કડક કાર્યવાહી

 જમ્મુ-કાશ્મીર પહેલગામ આતંકવાદી હુમલા પછી સરકારે ભારતમાં ગેરકાયદે વસતા અને ઘુસણખોરી કરેલા પાકિસ્તાની નાગરિકો અંગે કડક કાર્યવાહી કરવા અપાયેલા આદેશ અન્વયે પાકિસ્તાનના લીયારી વિસ્તારના વતની અને 25 વર્ષથી કોઈ વીઝા કે પરમીટ વગર ગેરકાયદેસર રીતે રાજકોટ જિલ્લાના લોધિકાના ચીભડાનાકા રોડ પર રહેતા (1) રીઝવાના મુનાફભાઈ ટાટારીયા (ઉ.વ. 50), તેનો પુત્ર (2) ઝીશાન મુનાફ ટાટારીયા (ઉ.વ. 29) અને (3) ઝીશાનનો સગીર વયનો પુત્ર એ ત્રણ પાકિસ્તાની નાગરિકોને રાજકોટ રૂરલ પોલીસ દ્વારા  ઝડપી લેવાયા છે. 

કરાંચીમાં જ તેમને પુત્ર ઝીશાનનો જન્મ થયો હતો

આ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસના સૂત્રોએ જણાવ્યા મૂજબ લોધિકાના વતની મુનાફ ટાટારીયા ઈ.સ. 1992માં વર્ક પરમીટ પર કરાંચી ગયા હતા અને ત્યાં પાકિસ્તાની નાગરિક આમાન ઉર્ફે અહેમદ અબ્દુલ્લાકાસમ ધરા ખત્રીના પુત્રી અને ઈ.સ.૧૯૭૫માં પાકિસ્તાનમાં જન્મેલ રીઝવાના સાથે તેણે લગ્ન કરી લીધા હતા. જે દરમિયાન કરાંચીમાં જ તેમને પુત્ર ઝીશાનનો જન્મ થયો હતો. આમ, ઝીશાન પાકિસ્તાનમાં જન્મેલ અને આજની તારીખે પાકિસ્તાની નાગરિક છે.   

વીઝાની મુદત પૂરી થવા છતાં પણ પરત જવાને બદલે અહીં જ રોકાઈ ગયા

ઈ.સ. 1994માં મુનાફ ટાટારીયા ભારત આવી ગયેલ અને બાદમાં તેના પાકિસ્તાનના નાગરિકો એવા પત્ની રીઝવાના અને પુત્ર ઝીશાન તા. 30-7-1999ના પાકિસ્તાની પાસપોર્ટ પર રાજકોટ જિલ્લાના લોધિકામાં આવી ગયા હતા અને પછી વીઝાની મુદત પૂરી થવા છતાં પણ પરત જવાને બદલે અહીં જ રોકાઈ ગયા હતા. 

ગંભીર વાત એ છે કે પાકિસ્તાની નાગરિક એવા ઝીશાને પોતાનું નાગરિકત્વ જાહેર કર્યા વગર કે ભારતનું નાગરિકત્વ નહીં હોવા છતાં ભારતીય મહિલા સાથે ઈ.સ. 2021માં લગ્ન કર્યા હતા જેનાથી તા. 10-9-2022ના તેમને એક સંતાન થયેલ છે. નિયમોનુસાર આ સંતાન પણ પાકિસ્તાની નાગરિક ગણાય છે. આમ, આજે પાકિસ્તાની મહિલા, તેનો પુત્ર અને તેનો પૌત્ર એ ત્રણેયની પોલીસે નજર કેદ કર્યા છે અને એલ.સી.બી.ના પી.એસ.આઈ. એચ.સી.ગોહિલ તથા લોધિકાના પી.આઈ. આઈ.એમ.સરવૈયા વગેરે દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. હવે પોલીસ દ્વારા  કેન્દ્રના ગૃહમંત્રાલયને રિપોર્ટ કરીને આ ત્રણેયને તેમના દેશ મોકલવા ડિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો