રાજકોટઃ આરોગ્ય વિભાગની કામગીરી ફક્ત દેખાડો? રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તમે થઈ જશો માંદા!
રાજકોટ: રાજકોટમાં ભેળસેળીયા તત્વો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. નવરાત્રીના ત

રાજકોટ: રાજકોટમાં ભેળસેળીયા તત્વો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. નવરાત્રીના તહેવાર દરમિયાન ૩૬ સ્થળેથી મીઠાઈ, ફરસાણના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કોઠારિયા, ભક્તિનગર, મઢી ચોક, રૈયા રોડ સહિતના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મલાઈ કેક, જલેબી, પનીર લાડુ, જેલી હલવો, ટોપરાપાક, પિસ્તા જાંબુ, મીઠા સાટા સહિતના નમૂના લેવામાં આવ્યા હતા.
દિવાળી બાદ આવશે રિપોર્ટ
હવે મહત્ત્વની વાત એ છે કે, પરીક્ષણ માટે લેવાયેલા નમૂનાઓનો રિપોર્ટ દિવાળી બાદ આવશે. ત્યારે હવે સવાલ એ થાય છે કે, જો રિપોર્ટમાં કોઈ નમૂના ફેલ થાય છે તો ત્યાં સુધીમાં તો અખાદ્ય જથ્થાનો ઘણો ભાગ વેચાણ થઈ ગયો હશે અને એ જે લોકો ખાઈ ગયા હશે એના આરોગ્યની ચિંતા કોણ કરશે? વેપારી તો નાનો-મોટો દંડ ભરીને છૂટી જવાનો છે. વારેતહેવારે આ પ્રમાણે તહેવાર પહેલા આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરતું હોય છે અને એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો જે મીઠાઈઓના નમૂનાઓ લેવાયા છે એ વેચાઈ પણ ગયા હોય અને લોકો ખાઈ પણ ગયા હોય.
આરોગ્ય વિભાગને ખરેખર લોકોના આરોગ્યની ચિંતા છે?
વારંવાર આ પ્રકારે આરોગ્ય વિભાગની વેપારીઓ પરની કાર્યવાહી અને રિપોર્ટ આવવામાં મોડું થવાને લીધે, જે દંડ ફટકારવાના કે અખાદ્ય જથ્થાનો નાશ કરવાના સમયમાં વિલંબ થાય છે તેનાથી નુકસાન તો સામાન્ય લોકોના આરોગ્યનું જ થઈ રહ્યું છે. ફક્ત દેખાડા પુરતી કાર્યવાહી કરીને સંતોષ માનવામા આવી રહ્યો હોવાની લોકમુખે રાવ છે. સેમ્પલ લેવાયા બાદ પણ એ ચીજવસ્તુઓનો એક રીતે વેપલો તો થઈ જતો હોય છે. તહેવાર પતી જાય, અખાદ્ય જથ્થો વેચાઈ જાય, લોકો દ્વારા ખવાઈ જાય ત્યાં સુધી આરોગ્ય વિભાગ રિપોર્ટની રાહ જોઈને બેસી રહેતું હોય છે?





