મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ ગેમઝોન: ભ્રષ્ટ બાબુઓ જ નહીં, રાજકારણીઓ 'અસલી ખેલાડી'

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીથી માંડીને પોલીસ પરિશનને લઇને ચર્ચા થઇ રહી છે. એટ

રાજકોટ ગેમઝોન: ભ્રષ્ટ બાબુઓ જ નહીં, રાજકારણીઓ 'અસલી ખેલાડી'

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીથી માંડીને પોલીસ પરિશનને લઇને ચર્ચા થઇ રહી છે. એટલુ જ નહીં, ભ્રષ્ટ બાબુઓ પર આંગળી ચિંધાઇ છે. ગેમઝોન હોય કે પછી આનંદમેળો, પરમિશનનો ખેલ પાછળ ખઆખી વર્દી કે ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર હોય છે એવુ માની લેવાની જરૂર નથી.રાજકીય પીઠબળ વિના પરમિશનનો ખેલ શક્ય જ નથી. આ તો આગ દુર્ઘટનામાં નિર્દોષ લોકો હોમાઇ જતાં સરકાર-ભાજપ સંગઠનના પદાધિકારીઓ ગુજરાતની જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્થિતીમાં નથી.

ત્રણ વર્ષથી મંજૂરી વગર ધમધમતુ હતું ગેમઝોન

રાજકોટમાં છેલ્લાં ત્રણેક વર્ષથી વિના મંજૂરીએ ગેમઝોન ધમધમતુ હતું. એ તો ઠીક, પણ ખુદ પોલીસ અધિકારી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ જ ગેમઝોનમાં આનંદ માણવા નિયમિત રીતે આવતાં હતા. રાજકોટના સ્થાનિક રાજકારણીઓની પણ અહીં અવરજવર રહી છે. મંજૂરી વિનાના ગેમઝોનમાં આગ લાગતાં 30થી વધુ નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે એટલે ભાજપના સાંસદ, ધારાસભ્ય, નેતાઓ, મ્યુનિસિપલ કોર્પોરેટરોએ મગરના આંસુ સારીને રાજકોટની જનતાની સહાનૂભુતિ જીતવા મથામણ કરી છે. ગેરકાયદે ધમધમતાં ગેમઝોન મુદ્દે લોકોમાં રોષ ભભૂક્યો છે એટલે રાજકારણીઓ હાથ ખંખેરી રહ્યા છે.

રાજકીય ભલામણ વગર મંજૂરી શક્ય નથી

આ ઘટના બાદ લોકો જ દલીલ કરી રહ્યા છે કે, સાંસદ, ધારાસભ્યથી માંડીને કોર્પોરેટરોને પોતાના મત વિસ્તારમાં સ્પા હોય કે પછી ગેરકાયદેસર બાંધકામ કે પછી ગેમઝોન, ક્યાં ક્યા ધંધા ધમધમી રહ્યા છે તેની રજેરજથી રાજકારણીઓ વાકેફ હોય છે. મહત્ત્વની વાત એ છે કે, ભ્રષ્ટ બાબુઓ તો ગેરકાયદેસર ધમધમતા ધંધાને પરમિશન આપી દે છે પણ તેમાંય રાજકીય ભલામણ વિના આ શક્ય નથી. ભ્રષ્ટ બાબુ-રાજકારણીઓના મેળાપિપણાથી ધમધમતુ હોય છે પણ જ્યારે કોઇ કરૂણાંતિકા સર્જાય ત્યારે રાજકારણીઓ ડગલુ પાછળ હટી જાય છે. મગરના આંસુ સારી રાજકારણીઓ જનતાની સહાનુભૂતિ મેળવી લે છે અને અધિકારીઓને જ જવાબદાર ઠેરવી પોતે છટકી જાય છે.

આ પણ વાંચો:  હાસ્ય કરનારા હૂંફની કિંમત શું જાણે? પરિવારજનો મૃતદેહ માટે 3-3 દિવસ તડપ્યા પણ જવાબદારો ડોકાયા પણ નહીં!

ચૂંટાયેલા જનપ્રતિનિધિની કોઇ જવાબદારી જ ન હોય. ભાજપના સ્થાનિક રાજકારણીઓને ગેરકાયદેસર ગેમઝોન દેખાયુ નહીં હોય. પણ એક વાત ચોક્કસ છે કે, રાજકીય પીઠબળ વિના આ શક્ય નથી. હવે અધિકારીઓને સસ્પેન્ડ અને બદલી કરીને દેખાડો કરવામાં આવી રહ્યો છે પણ આ બધુય પ્રજાનો રોષ ઠારવાનું એકમાત્ર તૂત છે. સમય જતાં બધુય ભૂલાઇ જશે. ફરી એ જ રાજકીય ભલામણથી બધાય ગેમઝોન ધમધમતા થઇ જશે.

ગેમઝોનથી માંડી વોટરપાર્કમાં રાજકારણીઓનું પાછલા બારણે રોકાણ

ગેમઝોન હોય કે પછી વોટરપાર્ક, મનોરંજન વ્યવસાયમાં કેટલાંક રાજકારણીઓએ રસ દાખવ્યો છે. ચર્ચા છે કે, ગાંધીનગરમાં એક પૂર્વ મંત્રીનો ગેમઝોન છે જેને ગુજરાત ટુરિઝમે મંજૂરી આપી છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ગેમઝોનમાં એક વર્તમાન મંત્રીએ પણ પાછલા બારણે રોકાણ કર્યુ હોવાનું કહેવાય છે. આમ, ગુજરાતમાં કેટલાકં રાજકારણીઓએ ગેમઝોન, વોટરપાર્ક જેવા મનોરંજન વ્યવસાયમાં રોકાણ કર્યુ હોવાની વાત સામે આવી છે.

આ સમાચાર શેર કરો