રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: મોડે મોડે તંત્ર જાગ્યું, તમામ જિલ્લાઓમાં ચેકીંગ સાથે ગુન્હા દાખલ
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 25 બાંધકામ સાઈટ સીલ કરાઈ છે. ગ્રીન નેટ

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 25 બાંધકામ સાઈટ સીલ કરાઈ છે. ગ્રીન નેટ સહિતના નિયમનું પાલન ન થતાં કાર્યવાહી કરવામાં આવી છે. વટવા, લાંભા, ઇસનપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ છે. ગઈકાલે 4 ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાઈ હતી. ગોતામાં 2, આનંદનગર 1 અને નિકોલમાં 1 મળીને ચાર ગેમઝોન હતા. આજે વધુ પાંચ સામે ફરિયાદ થતાં 9 સામે થઈ ફરિયાદ છે. ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહીં થાય ત્યાં સુધી અમદાવાદના ગેમ ઝોન શરૂ નહિ થાય.
રાજકોટ અગ્નિકાંડ બાદ AMC હરકતમાં આવ્યું છે. ગેમઝોન બાદ હવે ફાયર અને એસ્ટેટ ખાતા દ્વારા હોસ્પિટલ ચેકીંગ હાથ ધર્યું છે. શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ આર્ટીશન હોસ્પિટલ ફાયર સેફ્ટી અભાવ જોવા મળ્યો હતો. ફાયર સિલિન્ડર 2021માં પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલની અંદર ખુલ્લા વાયરો પણ નજરે પડ્યા હતા. NOC પણ રીન્યુ ન કર્યું હોવાનું સામે આવ્યું છે. આર્ટીશન હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રી ઓફિસ સીલ કરવામાં આવશે.
રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે. સુરતમાં કુલ 6 જેટલાં ગેમઝોન વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક રાંદેર, ધ ફેન્ટાસિયા 2 પાલ, શોટ ગેમઝોન ઉમરા, રુબાઉન્સ ગેમઝોન વેસુ, એક્સપ્લોર ગેમઝોન વેસુ અને બ્લેક બની પાલના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. SMC, પોલીસ, DGVCL, અને ફાયર વિભાગો દ્વારા શહેરના અલગ-અલગ ગેમઝોનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જરૂરી દસ્તાવેજ, ઇલેક્ટ્રીકલ પાવર સંબધીત જરૂરી ચકાસણી, ફાયરના સાધનોની ક્ષતિ જણાતા કુલ 11 ગેમઝોનને સીલ કરવામાં આવ્યું હતું. 6 જેટલાં ગેમઝોનમાં ગેરરીતિ જણાઈ આવી હતી. જેથી તેમના સંચાલકો વિરુદ્ધ આઇપીસી કલમ 336 તેમજ જીપીએક્ટ કલમ 131 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ ગેમઝોન રાંદેર, પાલ, વેસુ અને ઉમરા વિસ્તારની છે.
સુરત ગ્રામ્યમાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સવારથી જ તંત્ર દ્વારા જિલ્લામાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કોસંબા તરસાડી વિસ્તારમાં સિલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મલ્ટીપ્લેક્ષ , શોપિંગ મોલ , જવેલરી શોરૂમ સીલ કરાયા હતા. કોસંબાનું પ્રખ્યાત કે.એમ ચોકસી જવેલર્સ સીલ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પોલીસને સાથે રાખી સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફાયર સેફટીના અભાવને લઈ કે.એમ ચોકસી જવેલર્સ સીલ કરાયું છે. આવતા 7 દિવસ સુધી સમગ્ર જિલ્લામાં કાર્યવાહી ચાલશે.
રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવ્યા છે. તેમને જણાવ્યું હતું કે શહેરની તમામ શાળાઓમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારી દ્વારા 120 ટિમો બનાવવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે તપાસ કરવામાં આવશે. શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાના બાબતે રિપોર્ટ કરવામાં આવશે.
જૂનાગઢ માંગરોળ શહેરમાં માંગરોળ નગરપાલિકા તેમજ પોલીસ દ્વારા સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસો બંધ કરાવાયા છે. માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર અને માંગરોળ પી એસ આઇ દ્વારા સંયુક્ત રેડ કરતાં મંજૂરી વગરનાં ચાલતા ટ્યુશન ક્લાસો બંધ કરાવાયા અને ચાલુ ટ્યુશન ક્લાસોએ વિધાર્થીઓને રજા આપવી પડી હતી. આવા ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસોને માંગરોળ ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપતા ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસોમા ફફડાટ ફેલાયો છે. જ્યારે આવાં ટ્યુશન ક્લાસોની બાજુમાં જ ખુલ્લા વાયરો જોવા મળે છે જેથી ક્લાસિક સંચાલકોને નોટિસ ફટકારી છે. જ્યારે બીજીતરફ માંગરોળ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસોમા કોઇ ફાયર સેફ્ટીની લેવામાં આવી નથી જેથી ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટમાં બનેલા ગેમઝોન અગ્નિકાંડ બાદ સાબરકાંઠા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. જેમાં હિંમતનગરના બેરણા ગ્રામ પંચાયત દ્વારા બેરણા પંચાયતની હદમાં આવતા શૈક્ષણિક અને વાણિજ્ય એકમોને ફાયર એનઓસી અને બીયું પરમિશન દિન ત્રણમાં પંચાયતમાં રજૂ કરવા લેખિત નોટિસ બેરણા ગામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા આપવામાં આવી છે. બેરણા ગ્રામ પંચાયતની હદમાં 6 જેટલા વાણિજ્ય એકમ 4 શૈક્ષણિક એકમો આવેલ છે, કુલ 10 એકમોને બેરણા પંચાયત દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન દિન ત્રણમાં રજૂ કરવા લેખિત નોટિસ પાઠવવામાં આવી છે.
સુરતના રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટ માં ફાયર સેફટી મુદ્દે આજ રોજ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન અને શહેર પોલીસ ની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી હતી. જે બેઠકમાં અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો અને મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત રહેલા ડીસીપીએ જણાવ્યું હતું કે, જે માર્કેટના સંચાલકોએ ફાયર એનઓસી નથી મેળવી, તેવા તમામ લોકોને તાકીદે ફાયર noc મેળવી લેવા સૂચના આપી હતી.લોકોના જાણમાલ અને સલામતી ને ધ્યાનમાં રાખી ફાયર એનઓસી મેળવી લેવા કડક સૂચના આપી હતી.ફોસટા પ્રમુખે જણાવ્યું હતું કે,બિલ્ડર અને માર્કેટના સંચાલકો વચ્ચે મેન્ટેન્સ ને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે હમણાં સુધી 22 થી 25 જેટલી માર્કેટ દ્વારા ફાયર noc મેળવવામાં આવી નથી.જે અંગે સમજાવવાના પ્રયાસ જારી છે.
રાજકોટની ગેમઝોન કાંડની ઘટના બાદ અમરેલી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. ધારી પંથકમાં 3 રિસોર્ટ 5 થી વધુ રેસ્ટોરન્ટ હોટલ સામે કાર્યવાહી કરાઈ છે. રિસોર્ટ અને રેસ્ટોરન્ટ સીલ મારીને કરી તંત્રએ કાર્યવાહી કરી છે. ફાયર સેફટી પરમિશન વગર ચલાવનારા સામે કાર્યવહી હાથ ધરાઈ છે.
બનાસકાંઠાના પાલનપુરના ડીસા હાઇવે ઉપર આવેલ વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને સીલ કરવામાં આવ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને સીલ કર્યો છે. વન સેન્ટર મોલ અને ઓશિયા મોલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવને લઈને સીલ મરાયું છે. વન સેન્ટર અને ઓશિયા મોલમાં ફાયર NOC પણ ન હોવાનું સામે આવ્યું છે. પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગે બન્ને મોલમાં સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના 03 ગેમ્સઝોન અને 03 વોટરપાર્ક સીલ મારવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા 3 વોટરપાર્ક અને 3 ગેમઝોન વગર પરમીશનથી ચાલતા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાતે તપાસ કરી સીલ મારવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી હોસ્પિટલો અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની વિગતો મંગાવામા આવી છે. જે શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર NOC નહિ હોય તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
પોરબંદરની ત્રણ હોસ્પિટલ બંધ કરી દેવા ફાયર વિભાગની નોટિસ આપવામાં આવી છે. શહેરની આનંદ સર્જીકલ અને અર્પણ મેટરનીતિ હોસ્પિટલ અને આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સાધનોમા ટેક્નિકલ ખામી જોવા મળી હતી. ત્રણ હોસ્પિટલમાં ફાયરના સાધનો હતા પરંતુ તમામ સાધનો ઉપયોગમાં નહીં આવતા બંધ કરવા નોટિસો ફટકારવામાં આવી છે.
સુરતના બારડોલીમાં ગેમઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. બારડોલી નગરમાં ત્રણ ગેમિંગ ઝોન સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 24 સનુકર કલબ, હેપ્પી પ્લેનેટ ગેમ, તેમજ ઓરબીટ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. લોકોના જીવન જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરવા બદલ ગુનો નોંધાયો છે.








