આજે રાહુલ ગાંધી અમદાવાદમાં, કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવશે. રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હરણી બોટ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવશે. રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હરણી બોટ કાંડ-રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરશે. તેઓ ભગવાન જગન્નાથ મંદિરે પણ જાય તેવી સંભાવના છે.
રાહુલ ગાંધી આજે ગુજરાતમાં
રાહુલ ગાંધી 12 વાગ્યે અમદાવાદ આવશે. એરપોર્ટથી તેઓ સીધા જ પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પહોંચશે. જ્યાં તેઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. તેઓ કાર્યકરોને 'ડરો નહિ, ડરાઓ નહિ'ના મંત્ર સાથે સંબોધન પણ કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી બજરંગ દ્વારા કરાયેલી અથડામણના કેસમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. સંસદમાં હિન્દુ મુદ્દે કરેલા નિવેદન બાદ રાહુલ ગાંધીનો વિરોધ થઇ રહ્યો છે તેમાંય અમદાવાદમાં બજરંગ દળે કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહિ, ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ ઘટના મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે.
આ ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ TRP ગેમઝોન- મોરબી બ્રિજ અકસ્માત અને વડોદરા હરણી બોટ દૂર્ઘટનાના પીડિતોને પણ મળશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પીડિતોને ન્યાય આપવા માટે એક મોટા એક્શન પ્લાન પર કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, ભાજપને લોકસભામાં ક્લીન સ્વીપ કરતા અટકાવ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાતના રાજકારણમાં વધુ રસ દાખવ્યો છે. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડને લઇને સમગ્ર શહેર બંધ કરાવીને કોંગ્રેસે એક સફળ વિપક્ષની ભૂમિકા અદા કરી છે.
કોંગ્રેસ હવે એક પછી એક પ્રજાલક્ષી મુદ્દાને લઇને ભાજપ સરકારને ઘેરી રહી છે. આ જોતા માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા બન્યા બાદ ગુજરાતમાં તેમની સક્રિયતા વધારવા માંગે છે. દરમિયાન, ગુજરાત કોંગ્રેસે સમગ્ર રાજ્યના કાર્યકરોને 6 જુલાઇના રોજ અમદાવાદ આવવા અપીલ કરી છે. કોંગ્રેસે રાહુલ ગાંધીનું જોરદાર સ્વાગત કરવા તૈયારીઓ કરી છે. આ તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
રાહુલ ગાંધીનો અમદાવાદ પ્રવાસનો કાર્યક્રમ
બપોરે 1 વાગ્યે: વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી હેઠળના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક
બપોરે 1.30: કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના કાર્યકરોને સંબોધન
બપોરે 2: કોંગ્રેસ ભવન ખાતે પોલીસ કસ્ટડી હેઠળના કોંગ્રેસના નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત
બપોરે 2.30: રાજકોટ અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ દુર્ઘટના, સુરતની તક્ષશિલા આગની દુર્ઘટનાના પીડિતો સાથે બેઠક








