ઇજનેરી કોલેજના 1500 જેટલા અધ્યાપકોના ઉચ્ચતર પગાર ધોરણની પ્રક્રિયા ખોરંભે, 13 વર્ષથી એક જ પગાર ધોરણમાં નોકરી
હાલમાં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સરકારમાં ફા

હાલમાં એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સરકારમાં ફાઇલનો જે પ્રકારે નિકાલ થાય છે તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે “જ્યારે સરકારી કર્મચારીઓનું જ કામ સરકારી ફાઇલની ગતિએ થાય તો તેમને ખબર પડે” પરંતુ આ વાત ઉચ્ચ અધિકારીઓને લાગુ પડતી નથી અને તેઓ મુખ્યમંત્રીની વાત પણ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે, કેમકે તેઓને ખબર જ છે કે આ સરકારી સિસ્ટમમાં કોઈપણ કાર્ય વિલંબિત થાય તે બદલ કોઈ દંડ કે સજા નથી.
ગુજરાતની ઇજનેરી કોલેજના 1500 જેટલા અધ્યાપકો રાજ્યમાં ઘણા લાંબા સમયથી તેઓના પડતર પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. તેઓએ ટેકનિકલ કમિશનર, શિક્ષણ વિભાગના અધિક મુખ્યસચિવ, શિક્ષણમંત્રી, અને મુખ્યમંત્રી વગેરેને અનેકવાર પોતાના પડતર પ્રશ્નો વિશે મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી તેઓના CAS (ઉચ્ચતર પગાર ધોરણ) સહીતના પડતર પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ આવેલ નથી. ટેકનિકલ શિક્ષણ અધ્યાપકોના હકની ટ્રેન ત્યાંની ત્યાં જ રહી અને અધ્યાપકો આજે પણ એવી આશામાં બેસી રહ્યા છે કે કોઈ તેમની આ ટ્રેન મુકામે પહોંચાડશે.
હાલમાં સાંસદોએ પોતાના માટે 24% જેટલો ધરખમ પગાર વધારો કરી દીધો છે. જ્યારે 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ હાલ 80% અધ્યાપકોએ જ જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે. અધ્યાપકો માટે ઉચ્ચતર પગાર ધોરણ માટે CAS પ્રક્રિયા કે જેમાં 1000 રૂ. ગ્રેડ પે વધારવા હેતુ ઓગસ્ટ 2024થી COGENT Portal પર પ્રક્રિયા ચાલુ કરેલ, જે 9 મહીના વીતવા છતાં હજુ પૂર્ણ થયેલ નથી. હજુ તો આ CAS પ્રક્રિયાનું પ્રથમ ચરણ છે જેમાં અધ્યાપક નો ગ્રેડ પે 6000 થી 7000 થશે. સરકારી ડીગ્રી ઈજનેરી કોલેજના અંદાજે 600 અધ્યાપકોને વર્ષ 2021ની અસરથી ગ્રેડ પે 7000 થી 8000 તેમજ વર્ષ 2024ની અસરથી ગ્રેડ પે 8000થી 9000 પણ મળવાપાત્ર થઇ ગયેલ છે. આમ 3-3 ઉચ્ચતર પગાર ધોરણ બાકી હોય એવો ગુજરાત સરકારમાં આ એકમાત્ર વિભાગ હશે.
સરકારી ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર હાલમાં ચાલી રહેલ પ્રથમ ચરણની CAS પ્રક્રિયા છેલ્લા ત્રણ મહિનાથી ખોરંભે પડી ગયેલ છે. છેલ્લા 3 મહિનાથી માત્ર કમીશ્નરની સહી બાકી હોવાના લીધે અંદાજે 1000 અધ્યાપકોના CAS અંતર્ગત જરૂરી આદેશ થયેલ નથી.
પ્રથમ ચરણના CAS માટેના જરૂરી આદેશ તાત્કાલિક અસરથી પ્રસિદ્ધ કરવા તેમજ ઉચ્ચતર પગારધોરણના બાકીના બે તબક્કા (ગ્રેડ પે 8000 તેમજ ગ્રેડ પે 9000) 31 જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અધ્યાપક મંડળની ઉગ્ર રજૂઆત છે.








