વડોદરામાં સાવલી પાલિકા 3.43 કરોડનું વીજ બિલ ન ભરતા પંથકમાં અંધારપટ, આણંદના ગામનું વીજ કનેક્શન કટ
વડોદરા જીલ્લાના સાવલી નગરમાંથી એક ઘટના સામે આવી રહી છે જેમાં સાવલી નગર પા

વડોદરા જીલ્લાના સાવલી નગરમાંથી એક ઘટના સામે આવી રહી છે જેમાં સાવલી નગર પાલિકાનું વીજ કનેકશન કપાયું છે. મધ્ય ગુજરાત વીજ કંપની નાં M.D તેજસ પરમારની સૂચનાથી વીજ કનેકશન કાપવામાં આવ્યું છે. સાવલી MGVCL દ્વારા આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન પાસે, સરદાર નગર,S.B.I બેંક, શિવમ સોસાયટી, વૃંદાવન સોસાયટી, પોઇચા ચોકડી, યંગ બ્લડ, પરબડી ચોક સહિતના તમામ મોટા વિસ્તારનું સ્ટ્રીટ લાઇટ કનેકશન કાપવામાં આવ્યું હતું.
સાવલી નગર પાલિકાનું કુલ વીજળી બિલ ૩,૪૩,૮૧,૦૬૩ રૂપિયા જેટલું અધ્ધધ બિલ ભરવાનું બાકી છે. જેમાં સ્ટ્રીટ લાઈટનું બીલ ૮૩,૭૧,૪૩૮ બાકી, વોટર વર્કસ ૧૯,૦૯૧,૨૯૪નું બાકી તેમજ કોમર્શિયલ ૬૯,૧૮,૩૩૧ નું બાકી છે. પાલિકા દ્વારા છેલ્લે ૨૦૧૯ અને ૨૦૨૩ સુધી ટુકડે ટુકડે ૭,૯૦,૮૨૩ જેટલું બિલ ભરવામાં આવ્યું છે. પંથકમાં અંધારપટ છવાતા સાવલી નગર પાલિકાની પોલ ખુલી હતી.
સાવલી નગર પાલિકા ચીફ ઓફિસર સંજય પટેલને સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા ૧૦ લાખ ભરી દેવ ટકોર કરી હતી તેમ છતાં MGVCL દ્વારા પાલિકાના ધક્કા ખાવા મજબૂર બન્યા હતાં, અને અંતે વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો.
આણંદના એક ગામમાં વીજ બિલ ન ભરતા છવાયો અંધારપટ
આણંદ જિલ્લામાં નાપાડ તળપદ ગ્રામ પંચાયતનું દેવાળું ફૂંકાઈ ગયું છે. એક લાખથી વધુનું વીજ બિલ ભરપાઈ નહીં કરતા વીજ જોડાણ કાપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટીના અણગઢ વહીવટના કારણે ગામમાં અંધારપટ છવાયો છે. વીજ બિલ ન ભરવાના કારણે વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપ્યું હતું. ગામમાં સૌ પ્રથમ વખત આવો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
ગામની પંચાયત પાસે ભંડોળ હોવા છતાં વીજ બીલ નથી ભર્યું. પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન છે. ગ્રામજનો ટેક્સ સમયસર ભરતા હોવા છતાં અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. ગામના મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં અંધાર પટ છવાયો છે. હાલ ગ્રામજનો તલાટી અને વહીવટદારની બદલી માટે માંગ કરી રહ્યા છે.








