Video/ પાવરગ્રીડ વિવાદ: જમીન વળતર મામલે સુરેન્દ્રનગરના ખેડૂતોના ગાંધીનગરમાં મંડાણ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા સહિતના વિસ્તારોમાં પાવરગ્રીડ કંપની દ્વારા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા સહિતના વિસ્તારોમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વળતરના અન્યાય અને કંપનીની જોહુકમી સામે હવે ખેડૂતોએ આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે. આગામી 12 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર ખાતે કિસાન સંગઠનો સાથે મળીને આંદોલનનો હુંકાર કરશે.
શું છે સમગ્ર વિવાદ?
ધ્રાંગધ્રા તાલુકામાં પાવરગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન લાઈનના વીજ થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આરોપ છે કે, ખેડૂતો આ મામલે કાયદેસરની લડાઈ લડવા કોર્ટમાં ગયા હોવા છતાં, કંપનીએ કોઈપણ જાતની રાહ જોયા વગર 'દાદાગીરી' કરી ખેતરોમાં થાંભલા ઊભા કરી દીધા છે.
વળતરમાં મોટો તફાવત
ખેડૂતોમાં સૌથી વધુ નારાજગી વળતરના દરોને લઈને છે. હળવદમાં ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરના ₹989 ચૂકવવામાં આવે છે, જ્યારે તેની જ બાજુમાં આવેલા સુરેન્દ્રનગરના ખેડૂતોને માત્ર ₹382 જ ચુકવવામાં આવી રહ્યા છે. એક જ પ્રોજેક્ટમાં આટલો મોટો તફાવત કેમ? તેવો પ્રશ્ન ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ જંપશે નહીં. પડોશી જિલ્લાની જેમ સુરેન્દ્રનગરના ખેડૂતોને પણ પૂરતું અને સમાન વળતર ચૂકવવામાં આવે. કંપની દ્વારા કરવામાં આવતી જોહુકમી બંધ કરવામાં આવે. વીજ લાઈનની કામગીરી નક્કી કરેલા કોરિડોર મુજબ જ કરવામાં આવે.
આ લડાઈમાં ખેડૂત અગ્રણી મહેશભાઈ વરમોરા અને શવસીભાઈ પટેલ મેદાને આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીન કિંમતી છે અને કંપની સત્તાના જોરે ખેડૂતોના હક છીનવી રહી છે. જો સરકાર અને કંપની યોગ્ય નિર્ણય નહીં લે, તો 12 જાન્યુઆરીએ ગાંધીનગરની ધરતી પરથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.








