મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનારો કારચાલક પોલીસ કર્મચારી નીકળ્યો, પંજાબથી ધરપકડ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 11 નવેમ્બરની રાત્રે કારચાલકે કોલેજના એક વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી નાખી

અમદાવાદ : બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનારો કારચાલક પોલીસ કર્મચારી નીકળ્યો, પંજાબથી ધરપકડ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 11 નવેમ્બરની રાત્રે કારચાલકે  કોલેજના એક વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. ગઈકાલે બોપલ પોલીસે આ કારચાલકને ઝડપી પાડવા તેનો સ્કેચ ફોટો જાહેર કર્યો હતો. જો કે આજે આ હત્યારા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 

હત્યારો સરખેજ પોલીસ સ્ટેશનનો કર્મચારી 

આ ઘટના અંગે મળતા સમાચાર મુજબ આ યુવકની હત્યા કરનારો એક પોલીસ કમર્ચારી નીકળ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાએ આ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા પંજાબ ભાગી ગયો હતો. કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા  છેલ્લા 6 માસથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરના કેસમાં સસ્પેન્ડ થયો હતો. 

કાર બદલીને મિત્રની કાર લઈને પંજાબ ભાગી ગયો હતો

હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા છેલ્લા 15 દિવસથી માંદગીની રજા પર હતો. પ્રિયાંશુ જૈનની હત્યા કર્યા બાદ પરિવારને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને પંજાબ નીકળ્યો હતો. બ્લેક કલરની નંબર પ્લેટ વગરની હેરિયર કાર લઈને ફરાર થયો હતો. કાર  બદલીને મિત્રની કાર લઈને પંજાબ નીકળ્યો અને CCTV કેમેરામાં કેદ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચ CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પંજાબ પહોંચી હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી હતી. 

એક સાથે બે છરીથી યુવક પર ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો

શેલામાં આવેલી માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 23 વર્ષીય  યુવક પ્રિયાંશુ જૈન રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને  ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રિયાંશુની હત્યા કર્યાનું કબૂલ્યું

પ્રાથમિક તપાસમાં તેણે કબૂલ્યું હતું કે પ્રિયાંશુએ ઠપકો આપતા તેણે છરીને ઘા પડખામાં માર્યા હતા, ત્યારે જ સમજી ગયો હતો કે તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેથી બચવા માટે નાસી ગયો હતો. બીજા દિવસે સવારે તેને પ્રિયાંશુનું મોત થયાનું પણ જાણવા મળ્યું હતું. અમદાવાદ ક્રાઇમબ્રાંચ તેને પરત લાવીને બોપલ પોલીસને સોંપવાની કામગીરી પૂર્ણ કરશે.

પોલીસને મલ્ટી ટ્રેકિંગ ઇન્વેસ્ટીગેશન સિસ્ટમથી સફળતા મળી

ચકચારી હત્યા કેસની તપાસ કરવા માટે ક્રાઇમબ્રાંચે મલ્ટી ટ્રેકિંગ સિસ્ટમ અપનાવી હતી. જેમાં ઘટના સ્થળેથી પસાર થતા તમામ રસ્તાઓ પર અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કાળા રંગની હેરિયર કાર પર શંકા જતા તપાસ તે દિશામાં શરૂ કરી હતી. બીજી તરફ વિરેન્દ્રસિંહની કાર તેના મિત્રને ત્યાંથી મળવાની સાથે તેનો મોબાઇલ સ્વીચ ઓફ હતો. જેથી શંકા મજબુત બની હતી.

વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો

નિર્દોષ પ્રિયાંશું જૈનની હત્યામાં સંડોવાયેલો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ અનેકવાર વિવાદમાં આવ્યો હતો. સેટેલાઇટ પોલીસ મથકે ફરજ બજાવતો હતો ત્યારે તેને કોલ સેન્ટર કૌભાંડમાં સસ્પેન્ડ કરાયો હતો. બાદમાં તેની બદલી નારોલ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. જ્યાં તેણે પોલીસ સ્ટાફ સાથે તેમજ અનેક લોકો સાથે નાના-મોટા ઝઘડા કર્યા હતા. થોડા મહિના પહેલા તેની બદલી સરખેજ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પરંતુ, 29મી ઓક્ટોબરથી તે સીક લીવ પર હતો. વિરેન્દ્રસિંહને દારૂ પીવાની ટેવ હોવાનું પણ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો