દારૂની ખેપમાં જપ્ત થયેલી ગાડીઓની હવે પોલીસ કરશે હરાજી, વિધાનસભામાં પસાર થયું સુધારા વિધેયક
ગુજરાતમાં નશાબંધીના કાયદાનો અમલ કરવામાં આવ્યાં પછી રાજ્યમાં અવારનવાર દારૂની ખેપમાં વપરાતા વાહન

ગુજરાતમાં નશાબંધીના કાયદાનો અમલ કરવામાં આવ્યાં પછી રાજ્યમાં અવારનવાર દારૂની ખેપમાં વપરાતા વાહનોના નિકાલ માટે હવે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય અધિનિયમમાં સુધારો કરીને 'સુધારા વિધેયક' પસાર કર્યું છે. જેમાં હવે ખેપના વાહનોનો નિકાલ કોર્ટના અંતિમ નિર્ણય પહેલાં અને કોર્ટની પરવાનગી સાથે કરી શકાશે.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'રાજ્યમાં બુટલગેરો હવે દારૂની તસ્કરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે અને દારૂના ધંધા કરીને સમૃદ્ધ થઈ રહ્યાં છે. જેથી દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનોને હવે સરકાર હરાજી કરીને સમાજના સારા કામો માટે ઉપયોગ કરવામાં આવશે.'
તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે, 'લોકતંત્રમાં ન્યાયિક પ્રક્રિયામાં ખામી શોધીને આરોપીઓ ગાડીઓ છોડાવી લે છે. આ દરમિયાન, છેલ્લા બે વર્ષમાં રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 22442 જેટલાં વાહનો ભેગા થઇ ગયા છે. આ વાહનો પોલીસ સ્ટેશનની બહાર મૂકી દેવામાં આવતા ગંદકી ઊભી થાય છે અને વાહનોને કાટ લાગી જવાથી ખરાબ થઈ જાય અને છેલ્લે આરોપી નહિ પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે. જેથી આવા ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તેની રકમનો ઉપયોગ સમાજ અને મધ્યમ વર્ગના ઉત્થાનના કામ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. કોઈ કેસમાં જો આરોપી સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જશે તો તેને તેના વાહનની હરાજીની કિંમત સાથે દર વર્ષે 5 ટકાના દરે રકમ ચૂકવવામાં આવશે, જેથી તેની જોડે પણ અન્યાય ન થાય.'






