RAJKOT : નવાગામમાં સગીરના મોત મામલે આખરે પોલીસે માનવવધનો ગુનો નોંધ્યો
police registered murder case in the death of a minor in Navagam | Rajkot News : રાજકોટના નવાગામમાં સગીરના શંકાસ્પદ મોતના મામલે ઘટનાના CCTV સામે આવ્યા

Rajkot News : રાજકોટના નવાગામમાં સગીરના શંકાસ્પદ મોતના મામલે ઘટનાના CCTV સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં સુનિલ હેરમા નામના શખ્સ સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. તારીખ 1મેના રોજ સુનિલે મૃતક હર્ષિલ ગોરી પર મોબાઇલનો ઘા કર્યો હતો. જેના કારણે પડી જવાથી હર્ષિલને હેમરેજ થતા મોત થયું હતું. સમગ્ર મામલે એસીપી ભાવેશ જાઘવે નિવેદન આપતા કહ્યુ કે કોઇ પોલસકર્મીની બેદરકારી હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસે સગીરની હત્યાને હાર્ટએટેક ગણાવ્યો, માતાએ ફરિયાદ કરતા પોલીસે કહ્યું, ‘બીજો દીકરો જણી લ્યો!”
રાજકોટમાં સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલનગર-5માં રહેતા કમલેશભાઇ માવજીભાઇ ગોરીનો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો.
1 મે, 2024ના રોજ ગોડાઉનમાં એક યુવકે હર્ષિલના માથા પર બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી, પરંતુ કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે આ બનાવને ઘટના બની તેની ત્રીજી કલાકથી જ પૂર્વયોજિત કાવતરું રચી હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી.
મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટર્સે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે હર્ષિલનું મૃત્યુ બ્રેઇન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઇલ્યોરથી થયું છે. આમ છતાં પોલીસ સમગ્ર ઘટનાને દબાવી રહી હતી.
આખરે હર્ષિલના પરિવારે તમામ સીસીટીવી જોતાં ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં એક યુવકે હર્ષિલના માથા પર બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.
આ સીસીટીવી બાદ હર્ષિલનો પરિવાર પોલીસ પાસે હત્યાની ફરિયાદ નોંધવા માટે ગયો તો છેલ્લા 10 દિવસથી પોલીસ તેમને જવાબ આપી રહી નથી. આટલું ઓછું હોય એમ ASI અજય નિમાવતે હર્ષિલની માતા કમળાબેનને એવો જવાબ આપ્યો કે 2-3 છોકરા વધારે જણી લો.
હર્ષિલની માતા કમળાબેને મીડિયા સમક્ષ કહ્યું કે હર્ષિલની સાથે કામ કરતાં સુશિલ ઉર્ફે સૂતલો આહીરે તેને માથામાં ઘા માર્યો હતો અને તેની સાથે બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ જ મળીને હત્યા કરી નાખી છે.








