ધોરાજીમાં મર્ડર : નાની પરબડીમાં દલિત યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કોણે કરી હત્યા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ગઈકાલે 21 વર્ષના દલિત યુવકની હત્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે ગઈકાલે 21 વર્ષના દલિત યુવકની હત્યા થયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઈને નાના એવા નાની પરબડી ગામમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવકના પરિવારજનો અને સમાજના લોકોએ માંગ કરી હતી કે હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. ઘટનાના બીજા દિવસે જ આજે પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે.
કેફી પદાર્થ પીવડાવી પ્લાસ્ટિકની દોરીથી ગળું દબાવી દીધું
ધોરાજીના નાની પરબડી ગામે 21 વર્ષના દલિત યુવક વિમલ ઉકાભાઇ સાગઠીયાની હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સઘન તપાસ કરીને હત્યારાની ધરપકડ કરી છે. હત્યારો બીજો કોઈ નહીં પણ મૃતક વિમલનો સગીર વયનો મિત્ર છે. આ હત્યારા સગીરે વિમલને કેફી પદાર્થ પીવડાવી પ્લાસ્ટિકની દોરીથી ગળું દબાવી હત્યારા કરી હતી, બાદમાં માથા પર પથ્થરના ઘા માર્યા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ગોંડલના ડેપ્યુટી એસપી કિશોરસિંહ ઝાલા તેમજ જેતપુરના ડીવાયએસપી ડોડીયા તેમજ રાજકોટ રૂરલ એલસીબી પોલીસની ટીમે આ હત્યાનો ભેદ ખોલ્યો છે. આરોપીને 18 વર્ષ પુરા થવાના 3 દિવસ બાકી હોવાથી સગીર આરોપીના કાયદા અનુસાર તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું તેમજ તેને મીડિયા સમક્ષ હાજર કરવામાં નથી આવ્યો.






