સુરત પોલીસ બની ગોવાળ, આરોપીને પકડવા 7 કિલોમીટર જંગલમાં ચાલી, પછી આ રીતે ઝડપાયા
સુરતના પુણા સીતાનગરમાં મળસ્કે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની અણીએ ગે

સુરતના પુણા સીતાનગરમાં મળસ્કે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની અણીએ ગેંગરેપ કર્યા બાદ રૂ. 60 હજારની મત્તાની લૂંટની ફફડાટ ફેલાવનારી ચોંકાવનારી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયેલા બે હવસખોર નરાધમ લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નરાધમોએ દરવાજો ખખડાવ્યો ત્યારે પુણા પોલીસ તરીકેની ઓળખ આપી હોવાની ચોંકાવનારી હક્કીત જાણવા મળી છે.
પતિને બંધક બનાવ્યા
મૂળ સૌરાષ્ટ્રના અને હાલમાં પુણાના સીતાનગરમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારના ઘરમાં ગત રોજ વહેલી સવારે 3 વાગ્યે દરવાજો ખખડાવી બે અજાણ્યા જબરજસ્તી ઘરમાં ઘુસી ગયા હતા. બંનેએ ચપ્પુ વડે હુમલો કરી કારખાનેદાર યુવાનને છાતી અને બંને હાથના બાવડા ઉપર ઇજા પહોંચાડી દુપટ્ટા વડે બંધક બનાવ્યો હતો અને મોંઢા ઉપર ટુવાલ બાંધી દીધો હતો. ત્યારબાદ કારખાનેદારની પત્નીને ખંજર વડે બાનમાં બે પૈકી એક જબરજસ્તી ઢસડીને મકાનના ધાબા ઉપર લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતું અને ત્યાંથી પરત લઇ આવ્યો હતો. જયાં પહેલા માળે બીજાએ કારખાનેદારની પત્નીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ કર્યુ હતું. ત્યારબાદ ધાબા ઉપર દુષ્કર્મ કરનારે બીજી વખત પણ દુષ્કર્મ કરી પોતાની હવસ સંતોષ્યા બાદ ઘરમાંથી દાગીના અને રોકડ મળી રૂ. 60 હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.
ચોરી-હત્યાનો પ્રયાસ
ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હવસખોર નરાધમ લૂંટારૂ નિકુંજ ઉર્ફે જથર ઉર્ફે બુલેટ ભીંગરાડીયા (રહે. સાંઇનાથ સોસાયટી, કાપોદ્રા અને મૂળ. ભાવનગર) અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવ (રહે. ગીતાનગર, પુણા અને મૂળ. જોનપુર, યુ.પી) ને ડીસીપી ઝોન 1 ની ટીમ દ્વારા ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં શંકર ભગવાનના મંદિરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે નરાધમોએ દરવાજો ખખડાવ્યો ત્યારે જાગી ગયેલા દંપતી પૈકી પતિએ કોણ એવું પુછયું ત્યારે નરાધમોએ પુણા પોલીસ એવું કહ્યું હતું. વધુમાં પ્રાથમિક તપાસમાં બંને મારામારી, ચોરી અને હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.
ત્રણ વખત દુષ્કર્મના પગલે મહિલાને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા
પોલીસના સ્વાંગમાં દરવાજો ખોલાવી જબરજસ્તી અંદર ઘુસી જઇ પતિને બંધક બનાવી પત્ની ઉપર ગેંગરેપ કરનાર બંને નરાધમ પોલીસના સકંજામાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને નરાધમ લૂંટારૂ પૈકી નિકુંજ ભીંગરાડીયાએ બે વખત જયારે દિનેશે એક વખત દુષ્કર્મ કર્યુ હતું. ગણતરીની મિનીટોમાં ત્રણ-ત્રણ વખત દુષ્કર્મના પિશાચી કૃત્યને પગલે કારખાનેદારની પત્નીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા થઇ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
બે પૈકીના નિકુંજ ભીંગરાડીયાએ બે વખત અને દિનેશે એક વખત દુષ્કર્મ આચરી વિડીયો પણ ઉતાર્યો હતો
કારખાનેદારને બંધક બનાવ્યા બાદ તેની પત્નીને નિકુંજ ભીંગરાડીયા ઢસડીને ધાબા ઉપર લઇ ગયો હતો. ધાબા ઉપર ગાદલું હોવાથી ત્યાં સુવાનું કહી દુષ્કર્મ કર્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. બીજી તરફ ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે લૂંટારૂઓ જઇ રહ્યા હતા ત્યારે કારખાનેદારનો આધારકાર્ડ પણ લઇ લીધો હતો અને તે બતાવીને ધમકી આપી હતી કે જો કોઇને જાણ કરશે તો આધારકાર્ડના આધારે ગમે ત્યાંથી શોધી કાઢી મારી નાંખીશું.
ગોવાળીયાનો વેશ ધારણ કરી 7 કિલોમીટર બાવળીયા જંગલમાં પોલીસનું ઓપરેશન
વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ રામ ગોજીયાના નેતૃત્વમાં ડીસીપી ઝોન 1 ની ટીમ દ્વારા હવસખોર લૂંટારૂઓનું પગેરૂ દબાવવા માટે તાબડતોબ ટીમ રવાના થઇ હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને નરાધમો બેથી ત્રણ વખત રીક્ષા બદલી અને ત્યારબાદ એક પછી એક ત્રણથી ચાર બસ બદલીને તેઓ ભાવનગર પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસ ટીમે પણ ભાવનગરમાં ધામા નાંખ્યા હતા. આ અરસામાં નરાધમો નારી નજીકના અંતરિયાળ વિસ્તારમાં હતા પરંતુ ત્યાં સરળતાથી જઇ શકાય એમ ન હતું. ઉપરાંત પોલીસની ઓળખ પણ છુપાવાની હોવાથી પીઆઇ ગોજીયા સહિતના સ્ટાફે ગોવાળિયાનો વેશ ધારણ કરી બાવળિયો રસ્તો ખુંદતા-ખુંદતા અંદાજે 7 કિલોમીટરનું અંત્તર કાપ્યું ત્યાર બાદ શંકર ભગવાનનું અવાવરૂ મંદિર હતું. જયાં બંને છુપાયેલા હતા ત્યાંથી દબોચી લેવામાં આવ્યા હતા.








