PMJAY / આયુષ્યમાન યોજનાનું સર્વર પાંચ દિવસથી ઠ૫, દર્દીઓને હાલાકી
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના સર્વર- પોર્ટલમાં છેલ્લા પાંચ દિવસથી સમસ્યા રહેતા દર્દીઓ અને તેમના સ્વજ

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના સર્વર- પોર્ટલમાં છેલ્લા પાંચ દિવસથી સમસ્યા રહેતા દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
PMJAY યોજના સારી છે પણ તેની અમલવારીમાં કચાશને કારણે દર્દીઓને અવારનવાર ભારે હાલાકી નડે છે. જેમાં ખાસ કરીને સર્વરની ધીમી ઝડપને કારણે દર્દી દાખલ થયા બાદ સર્જરીના એપ્રૂવલ માટે કલાકો અને ઘણીવાર દિવસો સુધી રાહ જોવી પડે છે. હવે આ યોજના ફરી દર્દીઓ-તેમના સ્વજનો માટે સમસ્યાનું કારણ બની છે.
છેલ્લા પાંચ દિવસથી સર્વર-પોર્ટલમાં સમસ્યા યથાવતુ રહેતાં દાખલ દર્દીઓ અને સગાઓને ભારે પરેશાની નડે છે. દાખલ દર્દીઓ સારવાર માટે પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત નવા કાર્ડ માટે પણ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી છે.
આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતની ૮૬૮ ખાનગી, ૧૭૪૭ સરકારી એમ કુલ ૨૬૧૫ એમપેનલ્ડ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૩-૨૪માં ગુજરાતમાંથી જ આ યોજના હેઠળ ૩૦.૭૪ લાખ દર્દી દાખલ થયા હતા. આ યોજના માટે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૯૯.૮૪ કરોડ, ૨૦૨૧-૨૨માં રૂ. ૩૩૦.૫૫ કરોડ, ૨૦૨૨-૨૩માં રૂ. ૬૬૦.૧૫ કરોડ, ૨૦૨૩-૨૪માં રૂ. ૨૬૭.૪૮ કરોડ ફાળવાયા હતા.






