ગુજરાતમાં પુરની પરિસ્થિતિ વચ્ચે PM મોદી એક્શનમાં, CM ભૂપેન્દ્ર પટેલ સાથે સતત સંપર્કમાં
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. એક ત

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. એક તરફ રાજ્યના ગામ-શહેર પાણીમાં ડુબી ગયા છે બીજી તરફ નેશનલ હાઇવે પણ બંધ છે. મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા કચ્છ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી છે.
વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી.
વડાપ્રધાન મોદીએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરતા અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો પણ મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે વડાપ્રધાન મોદીએ માર્ગદર્શન આપ્યુ હતું અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.
વડોદરામાં બે દિવસથી નથી મળી લોકોને મદદ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ અભૂતપૂર્વ ખાના ખરાબી સર્જી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે હજારો પરિવારો દૂધ અને પાણી વગર ટળવળી રહ્યાં છે. તેઓ રેસ્ક્યૂ માટે સતત સંદેશાઓ પહોંચાડી રહ્યા છે પણ હજી તેમના સુધી મદદ પહોંચી નથી.
વડોદરામાં સતત ત્રીજા દિવસે 50 ટકાથી વધારે વિસ્તાર પાણીમાં છે. તેમાં પણ જ્યાં રસ્તા પર પાંચથી છ ફૂટ પાણી છે તેવા વિસ્તારોમાં હજારો પરિવારો પોતાના મકાનો કે ફ્લેટમાં કેદ થઈ ગયા છે.








