ધનતેરસે ધનની નહીં, પણ માનવતાની પૂજા: પાટણના 'બેબા શેઠ' છેલ્લા 15 વર્ષથી અર્ધ પાગલ અને નિરાધાર લોકોની કરે છે સેવા
સમગ્ર દેશમાં પાંચ પર્વના સમન્વય સમાન દિવાળીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ
સમગ્ર દેશમાં પાંચ પર્વના સમન્વય સમાન દિવાળીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે, જ્યારે હિન્દુ સમાજમાં લક્ષ્મી પૂજન અને નર નારાયણની પૂજા કરવામાં આવે છે. પરંતુ, પાટણ શહેરમાં એક એવા સદગૃહસ્થ છે, જે છેલ્લા એકથી દોઢ દાયકાથી ધન-લક્ષ્મીની નહીં, પણ સાચા અર્થમાં 'દરિદ્ર નારાયણ'ની સેવા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ સદગૃહસ્થ 'બેબા શેઠ'ના નામથી જાણીતા છે.
પાટણ શહેર ભૂતકાળમાં રેલવેનું આખરી સ્ટેશન હતું. અન્ય સ્ટેશનો સાથે જોડાયા પહેલા, ટ્રેનો દ્વારા ઘણા અર્ધ પાગલ અથવા માનસિક રીતે અસ્વસ્થ લોકો અહીં આવી પહોંચતા અને પાટણમાં જ આશરો (રેન બસેરા) લેતા હતા. આ ઉપરાંત, શહેરમાં ફરતા, જેને સામાન્ય ભાષામાં 'ગાંડા' કહેવાય છે, તેવા નિરાધાર લોકોની સેવા 'બેબા શેઠ' નિયમિતપણે કરે છે.
ધનતેરસના પવિત્ર દિવસે, જ્યારે લોકો પોતાના ઘરમાં લક્ષ્મીજીનું સ્વાગત કરે છે, ત્યારે આ સદગૃહસ્થ આવા માનસિક રીતે અસ્વસ્થ અને નિરાધાર લોકોને શોધી લાવે છે. તેમને પ્રેમથી નવડાવવામાં આવે છે, ધોવડાવવામાં આવે છે, સ્વચ્છ કરવામાં આવે છે અને નવા કપડાં આપવામાં આવે છે. આ રીતે, તેઓ આ નિરાધાર લોકો માટે સાચી દિવાળીનું આયોજન કરે છે.
છેલ્લા ૧૫ વર્ષથી સતત ચાલી રહેલી આ સેવામાં, માનસિક રીતે અસ્વસ્થ અને અર્ધ પાગલ લોકોને દરરોજ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. બેબા શેઠ ધનતેરસના દિવસે ધન કે લક્ષ્મીની પૂજા કરવાને બદલે, માનવ સેવાને જ પોતાનો સાચો ધર્મ માને છે. તેમની આ નિઃસ્વાર્થ સેવા સમાજ માટે પ્રેરણારૂપ છે અને પુરવાર કરે છે કે, સાચી લક્ષ્મી તો જરૂરિયાતમંદની સેવા કરવામાં જ રહેલી છે. પાટણમાં તેમની માનવતાની મહેક આજે પણ અવિરતપણે ફેલાઈ રહી છે.





