મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ટ્રેનમાં સીટ મુદ્દે ઝઘડી માર મારવો પાસ હોલ્ડરને પડ્યો ભારે, કોર્ટે ફટકારી બે વર્ષની કેદ

મોટાભાગે ટ્રેનમાં પાસ હોલ્ડરની ધાક રહેતી હોય છે. ત્યારે બે વર્ષ પહેલાં ફ્લાઈંગ રાણી ટ્રેનમાં વાપી સ્ટેશન બ

ટ્રેનમાં સીટ મુદ્દે ઝઘડી માર મારવો પાસ હોલ્ડરને પડ્યો ભારે, કોર્ટે ફટકારી બે વર્ષની કેદ

મોટાભાગે ટ્રેનમાં પાસ હોલ્ડરની ધાક રહેતી હોય છે. ત્યારે બે વર્ષ પહેલાં ફ્લાઈંગ રાણી ટ્રેનમાં વાપી સ્ટેશન બાદ જનરલ કોચમાં બેસવા દેવાના મુદ્દે ફરિયાદી પેસેન્જરને ગાળો આપી લાફો મારીને કાનમાં ગંભીર ઈજા કરી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપનાર આરોપી પાસ હોલ્ડરને સુરત રેલ્વે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પંકજ રાઠોડે ઈપીકો-૩૨૫ના ગુનામાં બે વર્ષની કેદ,ફરિયાદીને 20 હજાર વળતર પેટે ન ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારી છે.

લાફા મારી કાનમાં ઈજા કરી

ફરીયાદી કેતનભાઈ મનસુખભાઈ બરવાળીયા ગઈ તા.9-6-23ના રોજ ફ્લાઈંગ રાણી ટ્રેનમાં જનરલ કોચમાં બેસીને મુસાફરી કરતા હતા. જે દરમિયાન વાપી રેલ્વે સ્ટેશન બાદ પાસ હોલ્ડર્સ દ્વારા જનરલ કોચમાં બેસવાના મુદ્દે તકરાર કરી હતી. તેમાં ૨૫ વર્ષીય આરોપી પાસ હોલ્ડર સુમિત અજીતભાઈ પટેલ(રે.હીર રેસીડેન્સી,કલવાડા વલસાડ)એ ફરિયાદીને ડાબા ગાલ પર લાફો મારી કાનમાં ગંભીર ઈજા પહોંચાડીને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી.જે અંગે ફરિયાદી કેતન બરવાળીયાએ વાપી રેલ્વે પોલીસમાં આરોપી પાસ હોલ્ડર સુમિત પટેલ વિરુધ્ધ ઈપીકો-325,504,,504,506(2)ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.

20 હજારનું વળતર

આજ રોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદપક્ષે એપીપી માર્ટીન પરમારે કુલ આઠ સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી સુમિત પટેલને ઈપીકો-325ના ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની કેદ તથા ફરિયાદીને 20 હજાર વળતર ન ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

કોર્ટની ગંભીર નોંધ

કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીને ટ્રેનમાં જગ્યા રોકવા બાબતે માર માર્યો છે. ટ્રેનમાં રોજ અપડાઉન કરતાં પાસ હોલ્ડરનું ગુ્રપ જો તેમની ફિક્સ જગ્યા પર કોઈ બીજા બેસે તો જનરલ સીટ હોવા છતાં રીઝર્વેશન હોય તેમ બેસવા દેતા નથી. તેથી આરોપીને સજામાં પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો સમાજમાં વિપરિત અસર પડવા સાથે આવી પ્રવૃત્તિ કરતા લોકોને વેગ મળે તેમ છે.

આ સમાચાર શેર કરો