મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગરના પરથમપુરમાં પુનઃમતદાન પ્રક્રિયા પૂર્ણ, 71.33 ટકા વોટિંગ થયું

દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર મતદાન મથક પર 7મી મેના

મહીસાગરના પરથમપુરમાં  પુનઃમતદાન પ્રક્રિયા પૂર્ણ, 71.33 ટકા વોટિંગ થયું

દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર મતદાન મથક પર 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાન સમયે સાંજે બૂથ કેપ્ચરિંગની ઘટના ઘટી હતી, આ ઘટના બાદ ચૂંટણી પંચે તે દિવસનું પરથમપુર બૂથનું મતદાન રદ્દ કરી આજે 11મી મેના રોજ ફરી વખત મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

1,224માંથી 856 મતદારોએ મતદાન કર્યું

પરથમપુર મતદાન મથક ખાતે  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 71.33 ટકા વોટિંગ થયું છે. આ બૂથની મતદારયાદીના 1,224માંથી 856 મતદારોએ મતદાન કર્યું છે. EVM અને VVPATને સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા છે. 

82 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન 

પરથમપુર ખાતે પુનઃમતદાનની પ્રક્રિયામાં મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થતા મતદારોએ લાઈન લગાવી હતી. આ દરમિયાન એક 82 વર્ષના વૃદ્ધા પણ મત આપવા પહોંચ્યા હતા. પુત્ર તેમજ લાકડીના ટેકે વૃદ્ધા મતદાન બુથ સુધી પહોંચ્યા હતા અને લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ લીધી મુલાકાત

પરથમપુર ખાતે પુનઃમતદાનની પ્રક્રિયા દરમિયાન દાહોદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંત ભાભોર તેમજ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ પણ બુથ મુલાકાતે પહોંચ્યા હતા. બન્ને ઉમેદવારોએ પરથમપુર બુથ ખાતે પહોંચી મતદાન મથકની મુલાકાત લીધી હતી. 

કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ

કોંગ્રેસ MLAની કારને ચૂંટણી અધિકારીએ હટાવી

પરથમપુર મતદાન મથક ખાતે મતદાન ચાલી રહ્યું હતું, આ દરમિયાન  મતદાન મથકની બહાર MLA લખેલી કાર જોવા મળી હતી, જેની ચૂંટણી અધિકારી ને જાણ કરતા હટાવવામાં આવી હતી. આ કાર લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની હોવાનું સામે આવ્યું હતું.  ચૂંટણી અધિકારીએ આ કારને હટાવડાવી હતી. આ ઘટનાની દાહોદ કલેકટર અને મહીસાગર કલેકટરને જાણ કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો