ક્ષત્રિયોનો પાવર! /સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જનસભામાં પરશોત્તમ રૂપાલાને ગેરહાજર રખાયા
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે ગુજરાત આવેલા વડાપ્રધ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે ગુજરાત આવેલા વડાપ્રધાન મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગર એમ ચાર જગ્યાએ જનસભાઓ સંબોધી. આણંદ બાદ બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરના વઢવાણમાં પીએમ મોદીની બીજી જનસભા હતી.
વઢવાણની જનસભામાં પીએમ મોદીએ ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણીયા, સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તેમજ રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર કર્યો. પણ આ જનસભામાં સૌથી વધુ ચર્ચા પરશોત્તમ રૂપાલાની ગેરહાજરીની થઇ.
સામાન્ય રીતે જ ઉમેદવારના સમર્થનમાં જનસભા હોય છે તે પીએમ મોદી સાથે મંચ પર દેખાય છે. પણ રૂપાલા પીએમ મોદી સાથે મંચ પર ન દેખાયા. પીએમ મોદીની જનસભામાં રૂપાલાની હાજરી અંગે ગઈકાલે પણ ભાજપ નેતાઓએ મૌન સેવ્યું હતું.
ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાએ આપેલા નિવેદનને લઈને રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. આવામાં રૂપાલાને પીએમ મોદીની સભામાં હાજર રાખવા કે નહીં એ બાબતે ભાજપ નેતાઓ મૂંઝવણમાં હતા. અંદર ખાને એવી પણ વાત થઈ રહી છે કે આખરે પીએમ મોદીની જનસભામાં ક્ષત્રિયોના વિરોધના ડરથી રૂપાલાને પીએમ મોદીની સભામાં ભાજપે ગેરહાજર રાખવાનો નિર્ણય કર્યો. અથવા શું ખુદ પીએમ મોદીની જ આ ઈચ્છા હતી?
વડાપ્રધાન મોદીની સૌરાષ્ટ્રની ત્રણેય સભામાં રૂપાલા ગેરહાજર
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતમાં ચાર સભાને સંબોધી હતી. તેમણે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કર્યો હતો. આ વચ્ચે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ગેરહાજર જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર બેઠકના પ્રચારમાં રાજકોટ બેઠકનો સમાવેશ હતો. જોકે, રાજકોટના અન્ય નેતાઓ હાજર હતા. પરંતુ ક્ષત્રિય સમાજના રોષના પગલે રૂપાલાને ગેરહાજર રખાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ પ્રચારમાં રૂપાલાથી અંતર રાખ્યું હોવાની પણ ચર્ચા છે. તો રૂપાલાની ગેરહાજરી અંગે ભાજપ દ્વારા કહેવાયું છે કે તેઓ ચૂંટણી પ્રચારમાં હોવાથી સભામાં ન ગયા. બીજી તરફ એવું પણ કારણ અપાઈ રહ્યું છે કે રૂપાલા બિમાર હોવાથી વડાપ્રધાનની સભામાં ઉપસ્થિત ન રહી શક્યા. જોકે રૂપાલા સભામાં ગયા નહીં કે તેમને ગેરહાજર રખાયા તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, જામનગરની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પબુભા માણેક સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપ ક્ષત્રિય વોટ બેન્ક ગુમાવે તેવી પરિસ્થિતિ
કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ટિપ્પણી બાદ પાટીદારોને સાચવવામાં ભાજપ હવે ક્ષત્રિય વોટ બેન્ક ગુમાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શરૂઆતના તબક્કામાં ક્ષત્રિયોનો રોષ ઠરી જશે તેવી ભાજપની ગણતરી ઉંધી પડી છે. હવે સમાધાનની શક્યતા ઓછી છે. આ સંજોગોમાં રત્નાકર સહિત પ્રદેશના નેતાઓએ જીલ્લાવાર પ્રવાસ કરીને ક્ષત્રિયોના મનામણાં માટે ઉધામા મચાવ્યા છે પણ ડેમેજ કંટ્રોલ થઇ શક્યુ નથી. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલાં ક્ષત્રિય આંદોલન ઠારવા ઘણી મથામણ કરાઇ પણ ભાજપનો પનો ટૂંકો પડ્યો છે. હજુય ગ્રામ્ય સ્તરે ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે
ક્ષત્રિય આંદોલન પાર્ટ-2માં આખાય ગુજરાતમાં ધર્મયાત્રા શરૂ થઇ છે જેને અન્ય સમાજોનું સમર્થન સાંપડી રહ્યુ છે જેના કારણે ભાજપના પેટમાં ફાળ પડી છે. હાલ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર એવુ ચિત્ર ઉપસ્યુ છે કે, ક્ષત્રિય સમાજની સાથે ઓબીસી, દલિત અને લઘુમતી મતદારો વિરૂદ્ધમાં મતદાન કરે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. અત્યારે ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ જેવી બેઠકો પર ક્ષત્રિય મતદારો ભાજપની ગણતરી ઉંધી પાડી શકે છે.
ક્ષત્રિયો મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં
હવે જ્યારે આજે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ક્ષત્રિય સમાજને ઇમોશનલ અપીલ કરશે તેવી પ્રદેશ નેતાગીરીને આશા છે. જેથી આંદોલનની અગનજવાળા શાંત પડે. સાથે સાથે એ વાતનો ભય સતાવી રહ્યો છે કે, જો સભામાં વિરોધ થાય તો ભાજપની દેશ લેવલે ઇમેજ ખરડાઇ શકે છે.
ભાજપને એવો ભય સતાવી રહ્યો છે કે, લોકસભાની ચૂંટણી પછી આ સ્થિતી રહી તો ભાજપને ક્ષત્રિય મતદારો ગુમાવવા પડે તેમ છે. બીજી તરફ, મહિલા સ્વમાનની લડાઇ લડતા ક્ષત્રિયો કોઇપણ ભોગે આ વખતે ભાજપને મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં છે.








