Panchmahal/ 'લગ્ન નોંધણી કરી ₹50 લાખ કમાયો', Video વાયરલ થતાં કણજીપાણીના તલાટી સસ્પેન્ડ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલને વિવાદસ્પદ વીડિયો વાયરલ થવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરીને કથિત રીતે કરોડો રૂપિયા કમાયા હોવાની વાત કબૂલતનો વીડિયો વાયરલ થતાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
વીડિયોમાં '₹50 લાખ કમાઈ રાજસ્થાનમાં જમીન ખરીદી'ની કબૂલાત
તલાટી અર્જુન મેઘવાલનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પોતે જ કબૂલાત કરતા જોવા મળ્યા હતા. તેમણે એક જ વર્ષમાં 2000 જેટલાં લગ્નની નોંધણી કરી હતી. એક લગ્ન નોંધણી દીઠ ₹ 2500 લઈને તેમણે કુલ ₹ 50 લાખ કમાયા હતા. તેમણે આ કમાણીમાંથી રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની વાત પણ વીડિયોમાં કરી હતી.
સમગ્ર ગુજરાતમાં ખોટી લગ્ન નોંધણીનો આક્ષેપ
SPG ના લાલજી પટેલ દ્વારા મીડિયાને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તલાટી અર્જુન મેઘવાલ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી પંચમહાલ જિલ્લામાં કણજીપાણી ખાતે ખોટી રીતે લગ્ન નોંધણીઓ કરવામાં આવી રહી છે. મીડિયામાં આ અહેવાલો અને વીડિયો વાયરલ થતાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO)એ તાત્કાલિક અસરથી તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરી દીધા છે અને સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા છે

