પાલનપુર-ડીસા હાઈવે અજાણ્યા વાહનચાલકે રિક્ષાને મારી ટક્કર, દંપતિ સહિત ત્રણના મોત

બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનચાલકે પાછળથી રિક્ષાને ટક્કર મારતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. અકસ્માતમાં રિક્ષાચાલક સહિત પતિ-પત્નીએ જીવ ગુમાવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા વાહનચાલકે રિક્ષાને મારી ટક્કર
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પાલનપુરની હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફરી રહેલા લોકોની રિક્ષાને અજાણ્યા વાહનચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્મતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ રીતે અકસ્માતમાં કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. હાઈવે પરની આ દુર્ઘટનાએ ત્રણ પરિવારોમાં શોકની લાગણી ફેલાવી છે. હવે પોલીસ અજાણ્યા વાહનચાલકને શોધવા અને અકસ્માતનાં ચોક્કસ કારણો જાણવા તપાસ કરી રહી છે..










