‘ધોળા કપડા પહેરાવીને ટકો કરાવી નાખ્યો’, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ દીકરાનું બ્રેઈનવોશ કર્યાનો આક્ષેપ
સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોનું કેન્દ્ર બિંદુ રહેતો હોય છે ત્યારે સુરતમાં એક સગીરને સ્વા

સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદોનું કેન્દ્ર બિંદુ રહેતો હોય છે ત્યારે સુરતમાં એક સગીરને સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બનાવી દેવાયો હોવાનો પરિવારે સાધુ પર આરોપ મૂક્યો છે. દીકરો ગૂમ થયાની પોલીસમાં અરજી આપ્યા બાદ આજે પરિવારના સભ્યો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રેઈનવોશ કરીને સાધુ બનાવી દેવાયો છે.
પરિવારના ગંભીર આરોપ
સુરતના સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવ્યાનો આરોપ મુક્યો છે કે તેમના 17 વર્ષના સગીરને સાધુ બનાવવામાં આવ્યો છે. પિતાએ આરોપ લગાવતા કહ્યું કે, દીકરાને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો છે. તે રોજ મંદિરે દર્શન કરવા જતો હશે જેની અમને જાણ નથી. પરંતુ એ દરમિયાન સંપર્કમાં આવેલા એકના એક દીકરાને સાધુ બનાવી દેવાયો છે.
વર્ષ અગાઉ સંપર્કમાં આવેલો
આ મામલે 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં પુત્ર ગૂમ થયાની ફરિયાદ લખાવવામાં આવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે, પણ સુરતના સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પુત્ર તેમને પરત ન આપતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આક્ષેપ એ પણ છે કે તેમના દીકરાનું બ્રેઈનવોશ કરી દેવામાં આવ્યું છે. પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે સાધુઓ દ્વારા તેમના દીકરાનું બ્રેઈનવોશ કરી ‘તારા પિતા નથી, તારે તેમની સાથે જવાનું નથી’ તેવી વાતો મગજમાં ભરાવી દીધી હોવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યાં છે.
મહત્વપૂર્ણ છે કે, એક વર્ષ પહેલા પરિવાર સાથે દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી. મંદિર ખાતે પોલીસ પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
80 વર્ષના દાદીએ ભોજનનો ત્યાગ કર્યો
પરિવારના સભ્યોએ કહ્યું કે, “અમારા દીકરાને ફસાવવામાં આવ્યો છે. અમારા 80 વર્ષના માતાએ અનાજ મૂકી દીધું છે. તેને કંઈ થશે તો તેની જવાબદારી મંદિરની રહેશે. દીકરાને માતા પણ નથી. અમારો દીકરો આપતા નથી. ચાર મંદિર ફેરવ્યા હતાં. ધોળા કપડા પહેરાવીને ટકો કરાવી નાખ્યો છે. હું તમને ઓળખતો નથી તેમ કહેવા કહી દીધું છે. બાળકને અમે મોકલ્યો નથી. એક વર્ષથી તેને લોભ લાલચથી ભરમાવ્યો છે. અમારી માગ છે કે, અમારે વારસદાર માટે દીકરો પાછો જોઈએ છે. અમારે સાધુ બનાવવો નથી.”








