ગુજરાતમાં બે અકસ્માતની ઘટનામાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
રોજબરોજ આપણે અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાત રાજ્યમાં આજે બે જિલ્લાઓમાં બે અકસ્મા

રોજબરોજ આપણે અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાત રાજ્યમાં આજે બે જિલ્લાઓમાં બે અકસ્માત સર્જાયા હતા. જેમાં કુલ એકનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
પંચમહાલમાં બાઈક ચાલક બસની અડફેટે
પંચમહાલમાં એક ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધું હતું. જેમાં એક બાઈક બસની અડફેટે આવતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. હાલોલ વડોદરા હાઇવે ઉપર આ ગંભીર અક્સ્માત સર્જાયો હતો. પંચમહાલ જિલ્લામાં હાલોલના બાસ્કા નજીક એસટી બસે બાઈકને અડફેટમાં લેતા મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અક્સ્માતમાં સાવલી ગામના મોટરસાઇકલ ચાલકનું મોત થયું હતું. હાલોલ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : મહીસાગરનો ભયાવહ કિસ્સો: ગામની પાસેના જંગલમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
મહીસાગરમાં ટ્રિપલ અકસ્માત
મહીસાગર જિલ્લામાં ટ્રિપલ અકસ્માતમાં પરીવારનો આબાદ બચાવ થયો હતો. આ ગંભીર અકસ્માતે 'જાકો રાખે સાઈ યા માર શકે ના કોઈ' કહેવતને સાચા અર્થમાં પુરવાર કરી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર રોડ ઉપર મૂળજીની ઉકરડી ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં CNG ટેમ્પો, એક્ટિવા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.
એક્ટિવા બાઈક આખી ટેમ્પામાં ઘૂસી જતા એકટીવાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતમાં એકટીવા ઉપર સવાર બે લોકો તેમજ એક બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108માં ખસેડવામાં આવ્યા હતા. તેમજ એસટી બસમાં સવાર તમામ મુસાફરો સહી સલામત રહેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.






