AHMEDABAD : દારૂ ભરેલી કારનો પીછો કરી રહેલી પોલીસની ખાનગી કારે વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત
Ahmedabad News : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દહેગામ સર્કલ પાસે બુટલેગરની દારૂ ભરે

Ahmedabad News : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દહેગામ સર્કલ પાસે બુટલેગરની દારૂ ભરેલી કારનો પીછો કરી રહેલી પોલીસની ખાનગી કારે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું છે. આ સમગ્ર મામલે G ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રોંગ સાઈડમાં આવી પોલીસની ખાનગી કારે વૃદ્ધને ટક્કર મારી
આ સમગ્ર ઘટના બીલાસિયા AMTS બસ સ્ટેન્ડ પાસે બની છે. નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દહેગામ સર્કલથી દારૂ ભરેલી કારનો પીછો કરતા હતા. આ પોલીસકર્મીઓએ સિનિયર અધિકારીઓને જાણ કર્યા વિના જ દારૂ ભરેલી કારણો પીછો કરવા જતા રાહદારી વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા. બીલાસિયા AMTS બસ સ્ટેન્ડ પાસે રોંગ સાઈડમાં કાર ચલાવીને પોલીસની ખાનગી કારે ટક્કર મારતા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું છે.
મૃતકના પુત્રએ નોંધાવી ફરિયાદ
આ ઘટનામાં મૃતક વૃદ્ધ નટવરલાલ શંકરલાલ પ્રજાપતિ હોવાનું અને તેઓ નરોડા-દહેગામ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મૃતક વૃદ્ધના પુત્ર સંદીપ પ્રજાપતિએ G ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટનામાં BNS કલમ 105, 281, 324(2), 125(A), તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 134(B), 177, 184 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કાર ચલાવનારા પોલીસકર્મીઓ પર અનેક સવાલો
આ ઘટનામાં બુટલેગરની દારૂ ભરેલી કારનો પીછો કરી રહેલા અને ખાનગી કર ચલાવનારા પોલીસકર્મીઓ પર અનેક સવાલો ઉઠ્યા છે. આ પોલીસકર્મીઓ પોલીસ વાન એટલે કે સરકારી કારના બદલે ખાનગી કારથી બુટલેગરની કારનો પીછો કરી રહ્યાં હતા. આ ઉપરાંત પોલીસકર્મીઓએ સિનિયર અધિકારીઓને જાણ પણ કરી ન હતી. અનેક વખત છાસવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, તેમાં દારુ ભરેલી હોવાથી રેસિંગ થતી હોય છે જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાયા છે અને ઘણા લોકોના જીવ જઈ ચૂક્યા છે.








