અમદાવાદમાંથી હવે નકલી DYSP ઝડપાયા, નકલી પોલીસને જોઈ અસલી પોલીસ પણ ચોંકી!
અમદાવાદ: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી નકલી ડીવાયએસપીના રોફ મારનાર ટપોરી

અમદાવાદ: રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી નકલી ડીવાયએસપીના રોફ મારનાર ટપોરી ઝડપાયો છે. મહત્ત્વનું છે કે આજથી એકાદ મહિના અગાઉ અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ હતી. જેમા નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામનો શખ્સ ઝડપાયો હતો. હજુ આ ઘટના ભુલાઈ નથી ત્યાં શહેરમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો છે.
જી હા, અમદાવાદના નારોલમાં લાંભા ટી રોડ ઉપરથી આ શખ્સ ઝડપાયો છે. જેણે ગાડી પર પોલીસ લાઈટ તથા પોલીસ સિમ્બોલ લગાવ્યા હતા. આ ટપોરી ધારદાર લોખંડની છરી રાખી પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખ આપી અને રોફ જમાવતો હતો. નારોલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સિંધુભવનથી સીધા પોલીસ ભવનની સફર! રોમિયોને પોલીસ સામે સ્ટંટ કરવો ભારે પડ્યો
ગાડી પર પોલીસવાળી લાઈટ જોઈને પોલીસને શંકા ગઈ
વિગતવાર જોઈએ તો, શહેરના નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેથી પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને લાંભા જવાના રસ્તા પાસે એક ફોરવ્હીલર ગાડી ઉભેલી મળી આવી હતી. પોલીસની લાઈટવાળુ ખાનગી વાહન દેખાતા નારોલ પોલીસને શંકા જવા લાગી હતી. નજીક જઈને તપાસ કરતા ગાડીના આગળના કાચ પર લાઈટો લગાડવામાં આવી હતી તથા નંબર પ્લેટ પર પોલીસનો સિમ્બોલ લગાવ્યો હતો. ગાડીમાંથી યુવકને ઉતારીને તેની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે લોકોમાં ડર અને ધાક જમાવવા માટે થઈને તે પોલીસ બનીને ફરતો હતો. આ મામલે નારોલ પોલીસે વિરાજ મેઘા નામના યુવકની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલના ખોટા ઓપરેશનના કારણે વધુ 4 દર્દીઓના મોત, મૃત્યુ આંક 9 થયો
નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો
વટવા કેનાલ રોડ પાસે આવેલી વિનાયક રેસીડેન્સીમાં રહેતા વિરાજ નીતીકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો રહેતો હતો. નારોલ પોલીસે લાંભા ટર્નીંગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીના કાચ તથા નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. આ ઉપરાંત પોલીસને તેની તપાસ દરમિયાન કમરમાંથી ધારદાર છરી મળી આવી હતી. નકલી ડીવાયએસપીના રોફ જમાવતા ટપોરી યુવકે ગાડીના આગળના કાચના ભાગે પોલીસની લાઈટ પણ લગાડેલી હતી. આ મામલે નારોલ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોલીસમાં હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસેથી પોલીસ હોવાના કોઈ આધાર પુરવા મળી આવ્યા ન હતા. ત્યારબાદ અસલી પોલીસે નકલીને સબક શીખવાડ્યો અને ગુનો નોંધીને ગાડી કોના નામે છે અને તે સિવાયની અન્ય વિગતો તપાસવાની શરૂઆત કરી છે.






