Dahod news: દેવગઢ બારિયામાં 295 લખપતિ રેશનકાર્ડ ધારકોને નોટિસ, વાંચો કઇ રીતે થયો કૌભાંડનો પર્દાફાશ?
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ગરીબોને બદલે લખપતિઓને રેશનકાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ગરીબોને બદલે લખપતિઓને રેશનકાર્ડ બનાવી આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાલુકામાંથી 295 લખપતિ રેશનકાર્ડ ધારકો ઝડપાયા છે. મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ 295 રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે. આ અંગે પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પાત્રતા ન ધરાવતા હોવા છતા ગરીબો માટેની NFSA યોજનાનો ગેરકાયદે લાભ લેતા 295 લખપતિ રેશનકાર્ડ ધારકો ઝડપાયા છે. ઈન્કમટેક્સ વિભાગના ડેટા પ્રમાણે, તેમની આવક 6 લાખથી વધુ હોવાનુ સામે આવ્યુ છે. મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ 295 રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે, જે પૈકી 195 રેશનકાર્ડ નોન-NFSA કરાયા જ્યારે 100ની પ્રક્રિયા ચાલુ છે. પુરવઠા વિભાગ દ્વારા વધુ રેશનકાર્ડ ધારકોની ચકાસણી કરવામા આવે તો ગરીબોનો ખોટો લાભ લેતા આવા વધુ રેશનકાર્ડ ધારકોનો પર્દાફાશ થઈ શકે છે. ગરીબોના મોઢાનો કોળિયો છીનવી લેનાર આવા લખપતિ રેશનકાર્ડ ધારકો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ છે.




