અંકલેશ્વર જતા MLA ચૈતર વસાવાની અટકાયત થતાં કહ્યું- પીડિતોને ન્યાય અપાવ્યો છે ગુનો નથી કર્યો
ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં રહે છે. લોકોના પ્રશ્નો હોય કે

ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં રહે છે. લોકોના પ્રશ્નો હોય કે પછી પોલીસ સાથેનો સંઘર્ષ તેમનું નામ સતત ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને હાજરી આપવા જઈ રહેલા ચૈતર વસાવાના કાફલાને પોલીસે નવાગામ (દેડી) પાસે અટકાવી દીધો હતો. શાબ્દિક સંઘર્ષ બાદ અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે, પીડિતોને ન્યાય અપાવવો ગુનો હોય તેવું સરકાર વલણ અપનાવી રહી છે.
અવાજ દબાવવા પ્રયાસ
રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ પોલીસે નવાગામ(દેડી)થી અટકાયત કરી છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIR ને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવ્યા હતાં. જેથી ચૈતર વસાવાએ કહ્યું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે.
ભયનો માહોલ ઉભો કરાયો
ચૈતર વસાવાએ કહ્યું કે, બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે ? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.








