સુરતની નર્મદ યુનિવર્સિટીના ગ્રેડની સાથે વિદેશી વિદ્યાર્થીઓમાં ઘટાડો, હાલ ભણે છે માત્ર 4 વિદ્યાર્થી
કોરોનાકાળ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

કોરોનાકાળ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. નેક દ્વારા ગ્રેડ A મળ્યો ત્યારબાદ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. જો કે, 2022માં ગ્રેડ ઘટીને B++ થયો હતો. આ સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટવા માંડી હતી. 2022-23માં પર વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જોકે, ગ્રેડ ઘટતાની સાથે જ વિદેશી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે નર્મદ યુનિવર્સિટીની નકારી કાઢી છે. 2024-25માં વિદેશી વિદ્યાર્થીઓ ઘટીને માત્ર 4 થયા છે.
આ પણ વાંચો: કચ્છ: તહેવાર ટાણે જ પરિવારમાં માતમ, માંડવીના દરિયામાં ન્હાવા પડેલા પિતા-પુત્રનું ડૂબવાથી મોત
દોઢ વર્ષમાં હોસ્ટેલ બનશે
વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આપણી યુનિવર્સિટીમાં જે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, જેમાં આંતરરાષ્ટ્રીય વિવિધ ઘટનાઓ જે બને છે એની સીધી અસર પડી છે. આ સંખ્યા વધે આ માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સ્કીમ ઉપર ચાર કરોડ કરતાં પણ વધારે વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલ માટે ગ્રાન્ટ પણ મળી છે. ટૂંક સમયમાં તેમને બાંધકામ અને આગળની પ્રક્રિયાઓ શરૂ થઈ છે. દોઢ વર્ષની અંદર આ હોસ્ટેલ બનીને તૈયાર થઈ જશે. સાથે આંતરરાષ્ટ્રીય પરિબળો જ્યારે સ્થિર થશે આ ઉપરાંત યુ.જી.સી દ્વારા પણ જેટલી સ્ટેટ યુનિવર્સિટી છે એની સાથે પણ આગામી મહિનાઓની અંદર યોજનાઓ જાહેર થનાર છે, જેથી આપોઆપ અમારી યુનિવર્સિટીમાં પણ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.
સુવિધાઓ વધારાશે
વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નર્મદ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે તો તેમને સામાન્ય હોસ્ટેલમાં જ રુમ ફાળવવામાં આવે છે. જેમાં સમયાંતરે ખાવાની વ્યવસ્થા, પાણી જેવી ભૌતિક સુવિધાઓની ફરિયાદો ઉઠે છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલ, વ્યકિતગત કીચન, ફ્રીઝ જેવી સુવિધાઓ પણ મળતી નથી. અન્ય યુનિવર્સિટીઓ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલથી લઈને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય છે. જેને લઈને વડોદરાની એમ.એસ,અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.








