મુન્દ્રામાં બ્લાસ્ટની ઘટનામાં પિતા-પુત્રી બાદ માતાનું પણ મોત, બ્લાસ્ટનું કારણ સામે આવ્યું
કચ્છના મુન્દ્રામાં મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ધડાકાભેર બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘ

કચ્છના મુન્દ્રામાં મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ધડાકાભેર બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આજે કવિતા રાવનું આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જોતજોતાં હસતો રમતો પરિવાર વેરવિખેર થઇ ગયો હતો.
એલ.પી.જી. ગેસ લીકેજ થવાથી થયો હતો બ્લાસ્ટ
આ ઘટનાની પ્રાથમિક તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બ્લાસ્ટ એ.સી.ના કોમ્પ્રેસરમાં નહી પરંતુ એલ.પી.જી. ગેસ લીકેજ થવાના કારણે બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. એલ.પી.જી. ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં હતા. આ બ્લાસ્ટના લીધે લાગેલી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને જાનવી (ઉ.વ. 2)નું કમકમાટીભર્યું મોત નીપજ્યાં હતા. જ્યારે પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ આજે કવિતા રાવનું આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બંધ મકાનનો દરવાજો તૂટીને સામેના મકાનની છત પર પડ્યો
રવિ કુમાર રાયના મોટાભાઇના પરિવાજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારે કવિતા રાય દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવા ગયા ત્યારે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને દુર્ઘટના સર્જાઇ હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બંધ મકાનનો દરવાજો તૂટીને સામેના મકાનની છત પર પડ્યો હતો. સામેવાળા મકાનના કાચ પણ તૂટી ગયા હતા. આસપાસના સ્થાનિક રહીશો ભયભીત થઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. આગ લાગતાં થોડી જ વારમાં આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. તો બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે અમે એસી રિપેરિંગવાળા બોલાવી તપાસ કરાવી હતી પરંતુ એસીમાં કોઇ ખામી જણાઇ નથી.






