અંગોની સાથે આત્મિયતા મેળવી, મુંબઈની અનંતાએ બ્રેનડેડ રિયાના હાથ મેળવ્યા હવે તેના ભાઈને બાંધશે રાખડી
સુરત અંગદાત્તા શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે વલસાડના પરિવારની 9 વર્ષની બ્રેનડેડ પુત્રી

સુરત અંગદાત્તા શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે વલસાડના પરિવારની 9 વર્ષની બ્રેનડેડ પુત્રી રિયાનો હાથ મેળવનાર મુંબઈની 15 વર્ષીય અનંતારિયાના ભાઈને રક્ષાબંધને રાખડી બાંધશે એવું ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા સાથે વાતચીત દરમ્યાન અનંતાએ કહ્યું હતું. વલસાડના સરદાર હાઈટ્સમાં રહેતા બોબી મિસ્ત્રીની 9 વર્ષીય પુત્રી રિયાને બ્રેઇન હેમરેજ થતાં 13 સપ્ટેમ્બરે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરાઇ હતી. પરિવારે તેના અંગોનું દાન કરતાં તેના એક હાથનું મુંબઈની 15 વર્ષીય અનંતા અહેમદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
અનંતાએ જીવંત વાયરથી ગુમાવ્યા હાથ
અનંતા તેના વતન યુપી માં ટેરેસ પર હતી ત્યારે 11 હજાર વોલ્ટનો જીવંત વાયર પકડી લેતા કરંટ લાગતા જમણો હાથ કાપવો પડ્યો હતો. એક હાથ ગુમાવ્યા બાદ અનંતાએ આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે જુદી હોસ્પિટલોમાં ગઈ હતી અને મુંબઈની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન બાદ તેને રિયાનો હાથ મળ્યો હતો. સફળ ટ્રાન્સપ્લાન્ટના એક મહિના બાદ ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં અનંતાએ રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે તેવી આત્મીયતા વ્યકત કરવાની સાથે રિયાના ભાઈને આવતા વર્ષે રક્ષાબંધને રિયાના હાથ વડે જ રાખડી બાંધશે તેવું કહેતા અનંતા ભાવુક થઈ ગઈ હતી.
જમણો હાથ ફરી મેળવ્યો
બે વર્ષ પૂર્વે 11 હજાર વોલ્ટનો કરંટ લાગવાથી મે મારો જમણો હાથ ગુમાવ્યો હતો. છતાં હું હિંમત હારી ન હતી. મને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી મળી ઘણી હોસ્પિટલોમાં ગઈ પણ નેગેટીવ રિપોર્ટ આપતા હતા. આ દરમ્યાન ડો. નિલેશ સાતભાયાએ તૈયારી દર્શાવી. રિયાના પરિવારનો આભાર જેમણે તેમની દિકરીના એક્સટર્નલ ઓર્ગનનું ડોનેશન કર્યું અને મને ફરી નવું જીવન મળ્યું. રિયાનો પરિવાર મારો જ પરિવાર છે. આવતા વર્ષે રક્ષાબંધને રિયાના ભાઈને તેના જ હાથ વડે હું રાખડી બાંધીશ.








