મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક વધારો,10 વર્ષમાં હજારથી વધુનો લીધો ભોગ

ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો

ગુજરાતમાં યુવાનોમાં ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક વધારો,10 વર્ષમાં હજારથી વધુનો લીધો ભોગ

ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા 9600 કરોડની કિંમતનું 87 ટન ડ્રગ્સ ઝડપાયેલું છે. ડ્રગ્સના વધતા દૂષણને પગલે તેનાથી મૃત્યુ થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે.છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરઉપયોગથી 711 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ડ્રગ્સના ઓવરડોઝથી 371 વ્યક્તિના મૃત્યુ થયા છે. ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિક્ટ ટાફિકિંગ ડે છે ત્યારે ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલ અનુસાર વર્ષ 2013થી 2022 દરમિયાન ડ્રગ્સના દુરપયોગથી ગુજરાતમાં 644 પુરૂષ, 66 મહિલા એમ કૂલ 711ના મૃત્યુ થયા છે.  જેમાં વર્ષ 2022માં 91 પુરૂષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. ડ્રગ્સના દુરપયોગથી સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં થયા હોય તેમાં મહારાષ્ટ્ર 3073 સાથે મોખરે છે. 

સમગ્ર દેશમાં 11634 વ્યક્તિએ ડ્રગ્સની આદતને કારણે જીવન ટૂંકાવ્યું છે જેમાં 11394 પુરૂષ-239 મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં ગુજરાતમાંથી ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 25, સુરતમાંથી 5 જ્યારે વડોદરામાંથી 1 વ્યક્તિએ ડ્ર્ગ્સને કારણે આત્મહત્યા કરી હતી. ગુજરાતમાં વર્ષ 2021માં 127 વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી જેમાં 117 પુરૂષ અને 10 મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી 33 પુરૂષ- બે મહિલાએ ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હતું. બીજી તરફ વર્ષ 2020માં ગુજરાતમાંથી 77 અને અમદાવાદમાંથી 17 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ, 3 વર્ષમાં અમદાવાદમાંથી ડ્રગ્સ-દારૂની લતને કારણે 72 વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડ્રગ્સના ડિએડિક્શન સેન્ટરમાંથી સારવાર લઇ રહેલા મોટાભાગના દર્દીઓ 18થી 24ની વયજૂથના છે. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી 2.3 ટકા લોકો કોઇને કોઇ નશાનું સેવન કરે છે.

ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528ની ધરપકડ કરાઇ

ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528ની ધરપકડ થઇ છે જેમાં વર્ષ 2020માં 117, વર્ષ 2021માં 200 અને વર્ષ 2022માં 211ની ધરપકડ કરાઇ હતી. NDPS એક્ટ હેઠળ વર્ષ 2020માં 1, 2021માં 2 અને 2022માં 28 અને 2022માં 32 મહિલાની ધરપકડ થઇ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ વર્ષ 2020માં 343, વર્ષ 2021માં 479 અને વર્ષ 2022માં 528 એમ કૂલ 1350ની ધરપકડ થયેલી છે.

આ સમાચાર શેર કરો