શેરબજારમાં નફાની લાલચે શિક્ષકે 53 લાખથી વધુ ગુમાવ્યા, સાઈબરફ્રોડ કરી ગઠિયાએ છેતરપિંડી આચરી
ભાવનગરની ખાનગી સ્કૂલના સાયન્સના શિક્ષકને શેરબજારમાં ટ્રેડીંગ કરવાની લાલચ અર્ધો કર

ભાવનગરની ખાનગી સ્કૂલના સાયન્સના શિક્ષકને શેરબજારમાં ટ્રેડીંગ કરવાની લાલચ અર્ધો કરોડમાં પડી હતી. સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ ૫૩ લાખથી વધુની રકમ પડાવી લઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
શિક્ષકે બિઝનેસ સ્કૂલ ગ્રુપ કર્યું જોઈન
સાઈબર ફ્રોડની ઘટના અંગે મળતી વિગત અનુસાર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ધો.૧૧-૧૨માં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જોષી (ઉ.વ.૩૮, રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)એ તેમના ફેસબુક પેજ પર ગત તા.૨૮-૪ના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્સએપ ગ્રુપ જોઈન કર્યું હતું.
સ્ટોક ખરીદીને એકાઉન્ટમાંથી 53 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા
જેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી હોય, થોડા દિવસ પછી ગ્રુપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને એપ્લીકેશન મારફત સ્ટોક ખરીદી તેમના અને તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા.૫૩,૯૦,૦૦૦ ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
ગઠિયો ઓનલાઈન રૂપિયા ડકારી ગયો
ગત તા.૧૪-૬ના રોજ તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી ભેજાબાજ શખ્સોએ રૂા.૮૩,૦૦૦ વીડ્રો કરવા દીધા હતા અને બીજી રકમ ઉપાડવાની રિક્વેસ્ટ કરતા ટેક્સ અને બીજા ચાર્જીના વધુ પૈસા ભરવા પડશે તેમ કહીં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. શેર બજારમાં ટ્રેડીંગના નામે સાયન્સના શિક્ષકને ગઠિયાઓએ સાઈબર ફ્રોડનો શિકાર બનાવી રૂા.૫૩,૦૭,૦૦૦ની રકમ ચાઉં કરી જતાં ચેતનભાઈ જોષીએ ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૧૯ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.






