ગુજરાતના આ ગામમાં કાળી ચૌદશના દિવસે યોજાશે ચમત્કારિક હવન
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામમાં પ્રખ્યાત જૈન મંદિર

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. જેમાં શ્રી ઘંટાકર્ણવીરની પૂજા કરવામાં આવે છે. મહુડી જૈન મંદિરે વર્ષમાં એક વખત શ્રીઘંટાકર્ણવીરનો ચમત્કારિક હવન કરવામાં આવે છે, જે આ વર્ષે 31મી ઓકટોબરે કાળી ચૌદશના દિવસે બપોરે 12:39 કલાકે શરૂ થશે.
ચમત્કારિક મંત્રના 108 જાપ
કાળી ચૌદશના પવિત્ર દિવસે વહેલી સવારથી જૈન પરિવારો અને દાદાના ભક્તો મોટી સંખ્યામાં પવિત્ર યાત્રાધામ મહુડી પધારે છે. હવનમાં જોડાઇને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાછડીની ગાંઠ વાળતા હોય છે. 12: 39 વાગ્યાના શુભ મુહૂર્તે હવન શરૂ થાય છે. હવન સમયે 108 વખત ઘંટારવ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવતી હોય છે. આ આહુતી સમયે મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓ નાડાછડી દોરી પર એક એક ગાંઠ બાંધે છે, એમ કુલ 108 ગાંઠ બાંધવામાં આવે છે.
વર્ષમાં એકવાર થતી સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીમાં બિરાજમાન શ્રી ઘંટાકર્ણવીરની પ્રક્ષાલન વિધિ સહિતની ધૂપ, ફૂલ, આભૂષણ અને કેસર પૂજન વિધિનું વિશેષ પૂજાનું અનેરું મહત્ત્વ છે. આ વિધિમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની સાડા પાંચથી છ ફૂટની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા નાડાછડી/દોરીની 1 ગાંઠ વાળવામાં આવે છે અને આવી રીતે 108 ગાંઠ પૂર્ણ કરવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. જેને જૈન-જૈનેત્તર ભાવિકો સાચવી રાખે છે અને પોતાની મનોકામના પુરી થયે મહુડીમાં બિરાજમાન ઘંટાકર્ણવીરને સુખડીનો પ્રસાદ અર્પણ કરે છે.






