મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરના મિનિપ્લેક્સ 50 દિવસથી બંધ, 1200થી વધુ લોકોએ નોકરી ગુમાવી, કરોડો રૂપિયાનું નુકસાન

અમદાવાદ શહેરમાં મિનિપ્લેક્સ એટલે કે વિડિયો સિનેમામાં ફાયર સેફટી સાથે તમામ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું હોવ

અમદાવાદ શહેરના મિનિપ્લેક્સ 50 દિવસથી બંધ, 1200થી વધુ લોકોએ નોકરી ગુમાવી, કરોડો રૂપિયાનું નુકસાન

અમદાવાદ શહેરમાં મિનિપ્લેક્સ એટલે કે વિડિયો સિનેમામાં ફાયર સેફટી સાથે તમામ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ જાણકારી વિના આ તમામ મિનિપ્લેક્સને સીલ કરી દીધા હતા, છેલ્લા  50 દિવસથી બંધ મિનિપ્લેક્સમાં કામ કરતા 1200થી વધુ લોકોએ નોકરી ગુમાવી છે, આ સાથે જ આ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ અંગે  મિનિપ્લેક્સના માલિકો અને ઓપેટરોએ રોષ ઠાલવતા આ કાર્યવાહી ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું છે. 

કલેક્ટરે અમને લાયસન્સ આપ્યું હોવા છતાં AMCએ મિનિપ્લેક્સ સીલ કરી દીધા

મિનિપ્લેક્સના માલિકો અને ઓપરેટરોએ કહ્યું કે લાયસન્સ મેળાવવા માટે કલેકટર ઓફિસ દ્વારા સૂચિત કરવામાં આવેલા તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યા બાદ  કલેક્ટરે અમને લાયસન્સ આપ્યું છે.મિનિપ્લેક્સમાં ફાયર સેફટી, બેઠક વ્યવસ્થા આ તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. આમ છતાં AMCએ મિનિપ્લેક્સ સીલ કરી દીધા છે. અમે AMCની કચેરીમાં અને ગાંધીનગરમાં મંત્રાલયમાં તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યાં છે, આમ છતાં મિનિપ્લેક્સના સીલ ખોલવામાં આવ્યા નથી અને 50 દિવસથી બંધ હાલતમાં છે.

સરકારનું ‘ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ માત્ર કાગળ પર 

મિનિપ્લેક્સના માલિકો અને ઓપરેટરોએ આક્ષેપ સાથે કહ્યું કે વડાપ્રધાન મોદી દેશ-વિદેશમાં ફરીને ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતા બતાવી રહ્યા છે, બીજી બાજુ છેલ્લા 50 દિવસથી સરકારના કે AMCના કોઈ અધિકારી અમને જવાબ નથી આપી રહ્યા કે મિનિપ્લેક્સના સીલ ક્યારે ખોલવામાં આવશે. 

AMCના  અધિકારીઓની નજરમાં કલેક્ટરે આપેલું લાયસન્સ પણ માન્ય ન હોય તો આ ક્ષેત્રમાં ભવિષ્યમાં રોકાણમાં અવરોધો ઉભા થશે. મિનિપ્લેક્સ 50 દિવસથી બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે સવાલો ઉભા થાય છે કે સરકારનું ‘ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ માત્ર કાગળ પર છે? 

આ સમાચાર શેર કરો