Gujaratમાં ખનીજ માફિયાઓ બેખોફ: સરકારના દરોડા માત્ર કાગળ પર? ફરિયાદ નોંધી પણ લીઝ રદ ન કરાઈ
ગુજરાતમાં નદીઓમાંથી રેતી અને પડતર જમીનોમાંથી માટી તેમજ પથ્થરોની ખનીજ ચોરી કરતા તત્વો સામે સરકાર

ગુજરાતમાં નદીઓમાંથી રેતી અને પડતર જમીનોમાંથી માટી તેમજ પથ્થરોની ખનીજ ચોરી કરતા તત્વો સામે સરકાર નરમ હોય તેવું જણાઈ રહ્યું છે. ગાંધીનગર સહિત આઠ જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં એક પણ લીઝ રદ કરવામાં આવી નથી. રાજ્યના સાત જિલ્લામાં કુલ 347 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં માત્ર વાહનો જપ્ત કરી ફરિયાદ નોંધાવીને સંતોષ માની લેવાયો છે. ખનીજ ચોરી અટકાવવા માટે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
ખનીજ માફિયાઓ બેખોફ: તંત્રની રહેમનજર હેઠળ ચાલતો કાળો કારોબાર?
ગુજરાતમાં બેફામ ખનીજ ચોરી અને આડેધડ વૃક્ષોના નિકંદનને કારણે કુદરતી સંતુલન જોખમાઈ રહ્યું છે. તેમ છતાં, રાજ્યમાં ખનીજ માફિયાઓ જાણે બેખોફ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભા સત્ર દરમિયાન વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, પંચમહાલ, અરવલ્લી, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓ ખનીજ ચોરી માટે કુખ્યાત હોવા છતાં, છેલ્લા બે વર્ષમાં માત્ર અરવલ્લી જિલ્લામાં જ એક લીઝ રદ કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
દરોડાનું નાટક? માત્ર ટાર્ગેટ પૂરા કરવા કાગળ પર કામગીરી
સાત જિલ્લાઓમાં એક પણ લીઝ રદ કરવામાં આવી નથી, જે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરે છે. ખાણ-ખનીજ વિભાગ માત્ર લક્ષ્યાંકો પૂરા કરવા અને કાગળ પર કામગીરી દર્શાવવા માટે દરોડાનું નાટક કરતું હોય તેમ જણાય છે. આ કાર્યવાહીમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો સામે કેસ કરી અને વાહનો જપ્ત કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ ખનીજ ચોરીને કાયમી ધોરણે નાથવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સરકાર કે ખાણ-ખનીજ વિભાગને એક પણ સ્થળે ખનીજ ચોરી જોવા મળી નથી.
બે વર્ષમાં ખનીજ માફિયાઓ સામે થયેલી કાર્યવાહી
| જિલ્લો | ફરિયાદ | જપ્ત વાહનો |
| ગાંધીનગર | 88 | 21 |
| બનાસકાંઠા | 32 | 23 |
| સુરેન્દ્રનગર | 106 | 93 |
| કચ્છ | 88 | 28 |
| પંચમહાલ | 29 | 13 |
| અરવલ્લી | 03 | 02 |
| નવસારી | 0 | 0 |
| વલસાડ | 1 | 9 |
15 શખ્સો સામે પોલીસ અને સેશન્સ કોર્ટમાં કાર્યવાહી
પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 5.12 લાખ મેટ્રિક ટન ખનીજનું ગેરકાયદેસર ખનન થયું હોવાનો સ્વીકાર ખુદ સરકારે વિધાનસભામાં કર્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, જિલ્લામાં કુલ 40 સ્થળોએ ખનીજ ચોરી થઈ હોવાની 74 ફરિયાદો મળી હતી. આ મામલે કડક કાર્યવાહીના ભાગરૂપે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ અને 9 શખ્સો સામે સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, 2 શખ્સો સામે વસૂલાતનો હુકમ કરાયો છે અને 69 શખ્સોને દંડ ફટકારવામાં આવ્યો છે.






