મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ : પુત્રને અમેરિકાના વિઝા ન મળતા પિતાએ આપઘાત કર્યો, બીજા દિવસે માતાનું પુત્ર વિયોગે મોત

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના લાઠોદરા ગામમાં પુત્રને અમેરિકાના વિઝા ન મ

જુનાગઢ : પુત્રને અમેરિકાના વિઝા ન મળતા પિતાએ આપઘાત કર્યો, બીજા દિવસે માતાનું પુત્ર વિયોગે મોત

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના લાઠોદરા ગામમાં પુત્રને અમેરિકાના વિઝા ન મળતા પિતાએ આપઘાત કરી લીધાની ઘટના ઘટી છે. તો બીજા દિવસે આપઘાત કરનારા આધેડની માતાનું પુત્ર વિયોગે મોત થયું છે. બે દિવસમાં ઘરના બે સભ્યોના મોતથી પરિવાર માથે  દુઃખનો  પહાડ તૂટી પડ્યો છે. 

માળીયા હાટીના તાલુકાના લાઠોદરા ગામમાં રહેતા મોમીન સમાજના અમીરભાઈ હાસમભાઈ એરસિયાએ તેમના પત્ની અને બે છોકરાઓ સાથે આજથી બે વર્ષ પહેલા લંડન  જવા માટે વિઝા અપ્લાય કર્યા હતા, જો કે ત્યારે પરિવારમાંથી કોઈને વિઝા મળ્યા ન હતા. 

ત્યારબાદ અમીરભાઈના પુત્ર અફઝલે પણ અમેરિકા જવા માટે ત્રણ-ત્રણ વાર સ્ટુડન્ટ વિઝા અપ્લાય કર્યા હતા, પણ તેને પણ વિઝા મળ્યા ન હતા. 

24 વર્ષના પુત્ર અફઝલને ત્રણ-ત્રણ વાર  અમેરિકાના સ્ટુડન્ટ વિઝા ન મળતા 53 વર્ષીય અમીરભાઈ હાસમભાઇ એરસિયાએ  3  દિવસ પહેલા 22 નવેમ્બરે રાત્રે 8 વાગે પોતાના જ ઘરમાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિવારજનોએ  અમીરભાઈને કેશોદ અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ લઈ ગયા હતા, જો કે રસ્તામાં જ અમીરભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

અમીરભાઈના અવસાનનો આઘાત જીરવી ન શકતા બીજા દિવસે અમીરભાઈના 70 વર્ષીય માતા રેમતબહેનને હાર્ટ એટેક આવતા તેમનું પણ મોત થયું હતું. 

બે દિવસમાં એક જ પરિવારના બે લોકોના મોતથી નાના એવા લાઠોદરા ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.

આ સમાચાર શેર કરો