હવામાન વિભાગ દ્વારા 1 જૂન સુધી વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; મેઘરાજાની કહેરથી ઠેર ઠેર નુકસાની
Gujarat Weather News: રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. આ વખતે વરસાદ સામાન્ય ક

Gujarat Weather News: રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. આ વખતે વરસાદ સામાન્ય કરતા વહેલા વરસાદ આવવાના કારણે ખેડૂતોને તો નુકસાન થયું જ છે. પરંતુ, ભારે વરસાદના કારણે પણ અનેક જગ્યાએ નુકસાની સામે આવી છે.
હવામાનની પહેલી જૂન સુધીની આગાહી
27 મેઃ હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે. જે મુજબ, રાજ્યમાં મંગળવારે (27 મે) અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય ભાવનગરમાં છૂટોછવાયેલો હળવો વરસાદ નોંધાશે. ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદ જોવા મળશે.
28 મેઃ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં વરસાદ વરસશે.
29 મેઃ છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
30 મેથી 1 જૂન: જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદાર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૃચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ગિરનારમાં રોપ-વે સેવા બંધ
ગીર પંથકમાં મોડી રાતથી વરસી રહેલા સતત વરસાદના કારણે ગિરનાર પર્વત પર વહેલી સવારથી રોપ-વે સેવા અટકાવી દેવાઈ છે. ભારે વરસાદના કારણે તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે હાલ રોપ-વે સેવા અટકાવી છે. વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.
સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
| તાલુકો | વરસાદ (મિમી) |
| મહુવા | 60 |
| હાંસોટ | 59 |
| નેત્રંગ | 44 |
| ભરૂચ | 43 |
| માંગરોળ | 42 |
| ઓલપાડ | 31 |
| વાલિયા | 28 |
| કામરેજ | 24 |
| ધોલેરા | 22 |
| ઝઘડિયા | 20 |
| તળાજા | 19 |
| નાંદોદ | 19 |
| જાફરાબાદ | 18 |
| રાજુલા | 18 |
| ઉના | 18 |
| વાગરા | 15 |
અનેક વૃક્ષો ધરાશાયી
બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. વલસાડના ઉમરગામના નારગોલ જલારામ સ્કૂલ પાસે વરસાદી માહોલમાં સવારે ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ દરમિયાન નીચેથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. જેમાં ભારે પવન સાથે અમુક વિસ્તારમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો હતો. પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાના કિસ્સા સામે આવ્યા હતા.
ફાયર વિભાગને જે કોલ મળ્યા તે આધારિત રાજપુર,ગોમતીપુર ઉપરાંત સેટેલાઈટ રોડ, ખાડિયા કોટની રાંગ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળ્યા હતા. સરસપુરમાં અને સતાધાર ક્રોસ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયા હતા. વિરાટનગરમાં એક મકાન ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતું .નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગે તેને દુર કર્યુ હતું. જમાલપુર ચાર રસ્તા પાસે પણ વૃક્ષ ધરાશાયી થયુ હતું.
સુરતમાં ખેડૂતોને તકલીફ
વળી, સુરતના અનેક ગામડાઓમાં ડાંગર પકવી ચૂકેલા ખેડૂતો સામે આ વરસાદ આકાશી આફત બન્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પહેલાંથી જ પાકમાં નુકસાન થયું હતું, તેમાં પણ હવે વહેલા વરસાદના કારણે આ મુશ્કેલીમાં વધારો થયો છે. તેથી ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તાત્કાલિક ધોરણે મંડળીઓમાં જમા કરાવવા માટે પહોંચી રહ્યા છે. જોકે, ત્યાં પણ ખેડૂતોએ અસ્થિરતા ભરેલી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.








