KADIના આદુંદરા ગામે યુવકની હત્યા કરનાર બે આરોપીઓ પકડાયા, ફરાર આરોપીને પકડી પાડવા પોલીસની તજવીજ

મહેસાણા જિલ્લામાં કડીના આદુંદરા ગામના 20 વર્ષીય યુવક સની રાવળની પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા છે. હત્યા કેસમાં સામેલ અમદાવાદના બાવળાના ત્રણ પૈકી બે આરોપી સકંજામાં આવ્યા છે. જ્યારે હજુ એક ફરાર છે.
આરોપીઓએ કાવતરું ઘડી મહિલા પાસે વીડિયો કોલ કરાવી સનીને થોળ ત્રણ રસ્તા બોલાવ્યો હતો. ત્યાંથી પીકઅપ ડાલામાં તેનું અપહરણ કરી, અમદાવાદના સાંકળ ગામના એક ખેતરમાં ગોંધી રાખ્યો હતો. અને ઢોર માર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પુરાવાનો નાશ કરવા માટે તેની લાશ લખતર પાસેની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. કડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો
મળતી માહિતી મુજબ, કડી તાલુકાના આદુંદરા ગામના સની પ્રવીણભાઈ રાવળ(ઉં.વ.20) નામના યુવકને તેના કાકા પ્રકાશ રાવળની સાળી સાથે પ્રેમ સંબંધ હતો. સમગ્ર મામલે પરિણીતાના પતિ રમેશ રાવળ અને સાસરિયા પક્ષને જાણ થતાં રમેશે તેના ભાઈ જયંતી રાવળ અને ભત્રીજા સુનીલ રાવળ સાથે મળીને મૃતક સનીને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. જેમાં ગત 1 એપ્રિલ, 2026ના રોજ પરિણીતા પ્રેમિકાને ડરાવીને આરોપીઓએ સનીને થોળ પાસે બોલાવ્યો હતો અને પછી સનીનું પીક-અપ વાહનમાં અપહરણ કરીને સાણંદ GIDC થઈને બાવળાના સાંકળ ગામની સીમમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન ત્રણેય આરોપીઓએ સનીને ગાડીમાં માર મારતા હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આરોપીઓએ સનીના મૃતદેહને સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. જો કે, દીકરો ગુમ થતાં પરિવારે ગત 7 એપ્રિલના રોજ પુત્રના ગુમ થવાની કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
આ દરમિયાન લખતર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા તે સનીનો હોવાનુ જણાયું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારે કડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

