Mehsana/ ખેરાલુના ચાડા ગામે ધરોઈ કેનાલમાં 75 વર્ષીય વૃદ્ધા ડૂબ્યા, સર્ચ ઓપરેશન ચાલુ
ખેરાલુ તાલુકાના ચાડા ગામે રહેતા એક વૃદ્ધા કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 75 વર્ષીય વૃદ્ધા કેનાલમાં પડતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિકોના ટોળેટોળાં કેનાલ કાંઠે ઉમટી પડ્યા હતા.
માનસિક બીમારીથી પીડાતા હતા વૃદ્ધા
મળતી માહિતી મુજબ, ચાડા ગામના રહેવાસી આનંદીબેન મગનલાલ બારોટ (ઉં.વ. 75) કેનાલના પાણીમાં ડૂબ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે આનંદીબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા, જેના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે.
પાણી બંધ કરી હાથ ધરાશે રેસ્ક્યુ
ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાયરના જવાનોએ મોડી સાંજ સુધી કેનાલના ઊંડા પાણીમાં શોધખોળ કરી હતી, પરંતુ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી.
અંધારું થઈ જતાં અને કેનાલમાં પાણીનો પ્રવાહ હોવાથી હાલ સર્ચ ઓપરેશન અટકાવવામાં આવ્યું છે. ધરોઈ કેનાલનું પાણી બંધ કરવા માટે જાણ કરવામાં આવી છે, જેથી આવતીકાલે સવારે પાણી ઓછું થતા ફરીથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય.

