Video/ Morbiના રાજપર પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
મોરબી જિલ્લાના ઔદ્યોગિક હબમાં આજે આગની એક મોટી ઘટના સામે આવી છે. મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલી


મોરબી જિલ્લાના ઔદ્યોગિક હબમાં આજે આગની એક મોટી ઘટના સામે આવી છે. મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા.
ઉન્નતિ પ્લાસ્ટો ફેક્ટરી બળીને ખાખ
રાજપર નજીક આવેલી 'ઉન્નતિ પ્લાસ્ટો' નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં સંપૂર્ણ ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી અને આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ ફેક્ટરીમાં રહેલો લાખોનો માલસામાન અને મશીનરી બળીને નષ્ટ પામ્યા છે.
ફાયર બ્રિગેડનું મેજર ઓપરેશન
આગની ગંભીરતાને જોતા તાત્કાલિક મોરબી અને રાજકોટ બંને જિલ્લાના ફાયર વિભાગની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કલાકો સુધી જહેમત ઉઠાવવામાં આવી હતી. પ્લાસ્ટિકના કારણે આગ વારંવાર ભભૂકી રહી હતી, જેના કારણે ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી હતી.
જાનહાનિ ટળી, કારણ અકબંધ
સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.





