મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : નરોડામાં હેડ કોન્સ્ટેબલની નજર સામે તેની પુત્રવધુનું ચાર શખ્સોએ કર્યું અપહરણ

Ahmedabad News : અમદાવાદ શહેરના નરોડામાં નાના ચિલોડા પાસે આવેલ હોટલ પરથી ચાર શખ્સોએ હેડ કોન્સ્ટેબલની પુત્

AHMEDABAD : નરોડામાં હેડ કોન્સ્ટેબલની નજર સામે તેની પુત્રવધુનું ચાર શખ્સોએ કર્યું અપહરણ

Ahmedabad News : અમદાવાદ શહેરના નરોડામાં નાના ચિલોડા પાસે આવેલ હોટલ પરથી ચાર શખ્સોએ હેડ કોન્સ્ટેબલની પુત્રવધુને કારમાં જબરદસ્તી બહાર કાઢીને અન્ય કારમાં બેસાડી અપહરણ કરીને હિંમતનગર તરફ ભાગી ગયા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલના પુત્રે પ્રેમલગ્ન કર્યા હોવાથી પુત્રના સાસરીપક્ષના લોકોએ અપહરણ કર્યુ હોવાની શંકા સેવાઇ રહી છે. આટલું જ નહીં, આ શખ્સોએ ટેબલ પરથી તમે રૂપિયાની ચોરી કરી છે કહીને ઝઘડો કર્યો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલના પુત્રે અજાણ્યા શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા અભિરાજ પંડ્યા હિંમતનગર-શામળાજી રોડ પર આવેલ કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. તેમના પિતા હેમંતભાઇ શાહિબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.  બે વર્ષ અગાઉ અભિરાજ હિંમતનગર રહેતો હતો. ત્યારે દિયા પટેલ નામની યુવતી સાથે તેને કોફીશોપમા સંપર્ક થયો હતો. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. ગત 6 ઓગસ્ટે 2024માં યુવક અને યુવતીએ આણંદમા આવેલા મંદિરમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. તેમજ ભાદરણ ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણી પણ કરાવી હતી. 

બાદમાં પતિ પત્ની અલગ અલગ જગ્યાએ ફરતા હતા અને ગત 14 ઓગસ્ટે અભિરાજના પોતાના ઘરે તેની પત્ની દિયાને લઈને આવ્યો હતો. ગત 28 ઓગસ્ટે અભિરાજ પરિવારના  સભ્યો સાથે નાના ચિલોડા પાસે આવેલ કાકા ભાજીપાઉ હોટલમાં જમવા માટે ગયો હતો. હોટલમાં  જમ્યા બાદ પરિવાર ગાડીમાં બેઠો હતો. તેટલામાં ત્યાં આગળ એક ક્રેટા કારમાં ચાર અજાણ્યા શખ્સો આવ્યા અને અભિરાજની કાર પાસે જઇને તેની માતાને કહેવા લાગ્યા કે  તમે ટેબલ પરથી રૂપિયાની ચોરી કરી છે, કહીને અભિરાજના પરિવાર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

આ સમય દરમિયાનમાં ગાડીમાં આવેલા શખ્સોએ અભિરાજની પત્ની દિયાનો હાથ ખેંચીને ગાડીમાંથી બહાર કાઢીને  ક્રેટા ગાડીમાં બેસાડીનું તેનું અપહરણ કરીને હિંમતનગર તરફ ભાગી ગયા હતા. 

આ મામલે અભિરાજના પિતા અને પોલીસકર્મી એવા હેમંતભાઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દિયાના પતિ અભિરાજે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા જણાવ્યું કે તેને શંકા છે કે તેની સાસરીપક્ષના લોકોએ તેની પત્નીનું અપહરણ કરીને લઇ ગયા છે. આ અંગે અભિરાજે અજાણ્યા ચાર શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો