પોરબંદર બેઠક પર ભાજપની હેટ્રિક, પાટીદાર VS પાટીદારના જંગમાં માંડવિયાએ બાજી મારી
લોકસભા ચૂંટણીના પરિણામ આજે (4 જૂન) જાહેર થયા છે. જેમાં પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડ

લોકસભા ચૂંટણીના પરિણામ આજે (4 જૂન) જાહેર થયા છે. જેમાં પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને મોટી જીત મળી છે. મનસુખ માંડવિયાને 6,25,962 મત મળ્યા છે તો કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાને 2,45,677 મત મળ્યા છે આમ, મનસુખ માંડવિયાની 3,80,285 મતના મોટા માર્જિનથી જીત મળી છે.
ભાજપે પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે જે પાટીદાર સમાજમાંથી આવે છે. તો કોંગ્રેસે પણ પાટીદાર અને સૌરાષ્ટ્રના લડાયક નેતા લલિત વસોયાને ટિકિટ આપી છે. મનસુખ માંડવિયા પહેલીવાર 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2012 પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2016માં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા હતા ત્યાર બાદ 2018માં ફરી એક વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. આમ, આ બેઠક પર પાટીદાર Vs પાટીદાર જંગ હતી.
આ બેઠક પર પાટીદાર Vs પાટીદારની જંગ હતી
મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે જે 2017માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઈ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર પછી કોંગ્રેસે ફરી તેમના વિશ્વાસ મૂકીને 2019માં પોરબંદર બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. કોંગ્રેસે ફરી 2022ની વિધાનસભામાં તેમને ટિકિટ આપી હતી. જો કે તેમાં પણ તેમનો પરાજય થયો હતો. આમ છતાં, કોંગ્રેસે આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ફરી લલિત વસોયા પર વિશ્વાસ મૂક્યો હતો.
પોરબંદર બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી
આ બેઠક પર મોટા ભાગે પાટીદાર ઉમેદવારો જ ચૂંટણી જંગમાં ઉતારાયા છે. આ ઉપરાંત મહેર જ્ઞાતિના મતદારો તેમજ ખારવા સમાજના મતદારો પણ આ બેઠક પર નિર્ણાયક બને છે. આ ઉપરાંત બ્રાહ્મણ, કોળી, આહિર, દલિત, લોહાણા, રબારી, સિંધી, મુસ્લિમ સમાજના પણ મતદારો આ બેઠકમાં વિશેષ ભૂમિકા અદા કરે છે. આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી ત્યાર બાદ કુલ 12 સામાન્ય ચૂંટણી અને એક પેટા ચૂંટણી યોજાઇ છે. તેમાં 1991થી કુલ સાત ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનું શાસન રહ્યું છે જ્યારે 2009માં કોંગ્રેસે આ બેઠક છીનવી હતી, પરંતુ છેલ્લી બે ચૂંટણીથી આ બેઠક ભાજપ પાસે છે.








