મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મંદિર પરત પહોંચ્યા, ત્રણેય રથ પાનકોરનાકા પહોંચ્યા

Lord Jagannath, sister Subhadra and brother Balabhadra seated in chariot | ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી રથયાત્રાની વિદાય છે. ભગવાન જગન્નાથજીના રથનું આગમન થતા

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મંદિર પરત પહોંચ્યા, ત્રણેય રથ પાનકોરનાકા પહોંચ્યા

ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી રથયાત્રાની વિદાય છે. ભગવાન જગન્નાથજીના રથનું આગમન થતા જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. વહેલી સવારથી જ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.

5.50 PM

સરસપુરથી નિજ મંદિર પહોંચી રહેલો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ પ્રેમ દરવાજા ખાતે પહોંચી ગયા. હાલ રથયાત્રા પ્રેમ દરવાજા પહોંચી છે. 

05.00 PM

હર્ષ સંઘવીએ રથયાત્રામાં પદયાત્રા કરી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તંબુ પોલીસ ચોકી ખાતેથી રથયાત્રામાં પદયાત્રા કરતા નજરે પડ્યા છે.

03.45 PM

રથયાત્રાના માર્ગ પર જોવા મળ્યો ભગવાન રામ લલ્લાનો ટેબ્લો

રંગેચંગે આગળ વધી રહેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આજે ટી20 વર્લ્ડકપ સહિત અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.

03.35 PM

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને લઈને નીજ મંદિર તરફ પ્રયાણ કરી રહેલી રથયાત્રા હાલ દરિયાપુર પહોંચી છે. અહીં ભક્તોનો ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાનો રૂટ ચોતરફથી જય જગન્નાથના નાદથી ગૂંજતો જોવા મળી રહ્યો છે.

03.30 PM

રથયાત્રા પ્રેમ દરવાજાથી દરીયાપુર તંબુ ચોકી પહોંચવાની તૈયારીમાં

રથયાત્રાના માર્ગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રેમ દરવાજાથી દરીયાપુર તંબુ ચોકી સુધી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ ભક્તો પણ ભગવાનને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડીક ક્ષણોમાં જ ગજરાજો પ્રેમદરવાજા સુધી પહોંચશે. ત્યારબાદ રથયાત્રા વિધિવત આગ વધી નીજ મંદિર તરફ પ્રયાણ કરશે.

ગજરાજ સરસપુરથી નિજ મંદિર તરફ રવાના

રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ સરસપુરથી નિજ મંદિર જવા માટે રવાના થઈ ગયા છે. રથયાત્રામાં અલગ અલગ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. રામમંદિર, વિશ્વગુરુ, વર્લ્ડકપ સહિતના ટેબ્લો જોવા મળી રહ્યા છે.

ઢોલ-નગારા સાથે મામેરું ભરવામાં આવ્યું

જગન્નાથજીનું સરસપુરમાં ઢોલ-નગારા સાથે મામેરું ભરવામાં આવ્યું હતું. આ વર્ષે મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિ છે. જેમણે ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા અર્પણ કર્યા હતા.

01.30 PM

ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી ગઈ છે. મોસાળમાં જગન્નાથના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર બ્રિજ પર જનમેદની જોવા મળી રહી છે. મોસાળમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 'જય રણછોડ, માખણચોર' તેમજ 'જય જગન્નાથ'ના નાદથી સરસપુર ગૂજી ઉઠ્યું છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી ગઈ છે. મોસાળમાં જગન્નાથના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર બ્રિજ પર જનમેદની જોવા મળી રહી છે. મોસાળમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

12.10 PM

રથયાત્રા કાલુપુર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 5 ભક્તો બેભાન થઈને ઢળી પડ્યા છે જ્યારે અલગ અલગ જગ્યાએ 5 બાળકો વિખૂટાં પડી ગયા છે. 

12.00 PM

સરસપુરમાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા

ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારી શરુ થઈ ગઈ છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે.

11.30 AM

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભગવાન જગન્નાથના રથ AMC ઓફિસ પહોંચ્યા છે.

11.20 AM

ભગવાનના રથ જમાલપુર પોલીસ ચોકીથી આગળ વધ્યા છે. જગતના નાથના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે. તેમજ પ્રસાદ લેવા માટે લોકોની પડાપડી છે. ફણગાવેલા મગ, જાંબુના પ્રસાદનો મહિમા છે. તથા ભગવાનના રથ ખેંચવા માટે ખલાસીઓમાં ઉત્સાહ છે.

સરસપુરમાં પ્રસાદની તૈયારીઓનો અંત

સરસપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો પહોંચ્યા છે. સરસપુરની પોળોમાં બપોરના પ્રસાદની તૈયારીઓનો અંત આવ્યો છે.સરસપુરની 170 વર્ષથી ચાલતા રસોડામાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.10,000થી વધુ ભક્તજનો જમે તે પ્રકારની તૈયારી કરવામાં આવી.

મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા.

10.30 AM:

જમાલપુર દરવાજાથી ત્રણેય રથ આગળ નીકળ્યા

રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે, જમાલપુર દરવાજાથી ત્રણેય રથ આગળ નીકળ્યા છે. રસ્તામાં બન્ને બાજું ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

10.10 AM

રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી ગઈ છે. પોલીસનો કાફલો કાલુપુર સર્કલ પાસે ડોગ સ્ક્વોડ સાથે તહેનાત છે. ભગવાનના દર્શન માટે ભક્તોનું ટોળું ઉમટ્યું છે.

10.00 AM

રથયાત્રાના પર્વ પર અમિત શાહે પોસ્ટ લખીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને લખ્યુ કે ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

09.35 AM

રથયાત્રા ખમાસા પહોંચી ગઈ છે. જ્યાં મુસ્લિમ અગ્રણીઓએ દ્વરા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે.

9.15 AM

ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે.

8.40 AM

આજે અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. કચ્છીમાડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કચ્છી ભાષામાં પોસ્ટ કરીને કચ્છીમાડુઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે 'મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો'.

8.30 AM

રથયાત્રા થોડીવારમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પહોંચશે. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. 

8.20 AM

ગજરાજ ઢાળની પોળ પહોંચ્યા

રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે.  ગજરાજ ઢાળની પોળ પાસે પહોંચ્યા છે. 18 ગજરાજ પૈકી એક ગજરાજ પર ચાંદીના વરખનો મુકટ પહેરાવવામાં આવ્યો છે.

8.00 AM

રથયાત્રા રૂટ

સવારે 7.00 વાગ્યે- જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
સવારે 9.00 વાગ્યે- મ્યુનિસિપલ કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે- રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે- ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે- કાલુપુર સર્કલ
સવારે 12.00 વાગ્યે- સરસપુર
બપોરે 1.30 વાગ્યે- સરસપુરથી પરત
બપોરે 2.00- કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમ દરવાજા
બપોરે 3.15 વાગ્યે- દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે- શાહપુર દરવાજા
બપોરે-4.30 વાગ્યે- આર.સી હાઈસ્કૂલ
સાંજે 5.00 વાગ્યે- ઘી કાંટા
સાંજે- 5.45 વાગ્યે- પાનકોરનાકા
સાંજે 6.30 વાગ્યે- માણેકચોક
રાત્રે 8.30 વાગ્યે નીજ મંદિરે પરત

8.00 AM

 ગજરાજ ખમાસા ચાર રસ્તા પાસે પહોંચ્યા

7.40 AM

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં, બલભદ્રજી તલધ્વજ રથમાં બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર છે. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. 

7.15 AM

દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં શરુ થઈ ગઈ છે. ત્રણેય રથ મંદિરની બહાર નીકળ્યા છે. દેશ-વિદેશથી લગભગ 50 હજારથી વધારે ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યું છે. 

07.00 AM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી હતી. ત્યારબાદ ભગવાનના રથને ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્ચાએ.

મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વિધિવત રીતે પહિંદ વિધી કરીને રથને ખેંચીને ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. 

જગન્નાથ મંદિરેથી થોડી જ વારમાં રથયાત્રાનું પ્રસ્થાન થશે

 જગન્નાથ મંદિરેથી થોડી જ વારમાં રથયાત્રાનું પ્રસ્થાન થશે. CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરીને રથનું પ્રસ્થાન કરાવશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મંદિરમાં હાજર છે. ગૃહરાજ્ય મંત્રી, પોલીસ કમિશ્નરે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા.

147મી રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. 

ભોગ ધરાવ્યા પછી ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવ્યા હતાં.મહત્ત્વનું છે કે અમાસના દિવસે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનના આંખે પાટા બાંધવામા આવ્યા હતા.

ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે સૌથી પહેલા ભગવાન જગન્નાથ તે બાદ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથારૂઢ કરવામા આવ્યા હતા.

રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે. 

રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે

ભગવાન જગન્નાથજીના રથને ખલાસીઓ ભાઇઓ આગળ લઇ જવાનું કામ કરે છે. રથયાત્રામાં મોટી દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામની અથાગ સેવા કરનાર રામભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષો સુધી જળવાઇ પણ રહી છે.

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી.

ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

આ સમાચાર શેર કરો